લંડનઃ લેબર પાર્ટીના નેતૃત્વની ચૂંટણી વિના જ એન્ડી બર્નહામ આગામી વડાપ્રધાન બનવા તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યાં છે. લેબર પાર્ટીના 403માંથી 349 સાંસદોનું સમર્થન હાંસલ કરીને તેમણે પોતાની દાવેદારીને લગભગ બિનહરીફ બનાવી દીધી છે. આગામી સપ્તાહમાં તેઓ વડાપ્રધાનપદ સંભાળી લે તેવી પૂરી સંભાવના છે.
ગ્રેટર માન્ચેસ્ટરના ભૂતપૂર્વ મેયર એવા એન્ડી બર્નહામ બિનહરીફ ચૂંટાવા માટે માત્ર એક નામાંકન દૂર રહ્યા છે. નિયમ મુજબ તેમની સામે અન્ય કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતરવા માટે લેબર પાર્ટીના બાકી બચેલા તમામ 81 સાંસદોના મતોની જરૂર પડશે જે હાલ અશક્ય જણાય છે. એન્જેલા રેયનર અને વેસ સ્ટ્રીટીંગ સહિતના પક્ષના અગ્રણી નેતાઓએ પણ હવે બર્નહામને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે જેના પગલે સ્ટાર્મરના ઉત્તરાધિકારી તરીકે તેમનો માર્ગ બિલકુલ સરળ બની ગયો છે.
લેબર પાર્ટીના નિયમો અનુસાર નેતૃત્વની રેસમાં સ્થાન મેળવવા માટે બર્નહામને માત્ર 20 ટકા સાંસદોના સમર્થનની જરૂર હતી, પરંતુ તેમના સમર્થકો પક્ષમાં તેમની મજબૂત પકડ અને લોકપ્રિયતા પ્રદર્શિત કરવા માંગતા હતા. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ લેમી સહિતના કેબિનેટ મંત્રીઓ ઉપરાંત નવી સરકારમાં વરિષ્ઠ હોદ્દાની આશા રાખતા નેતાઓ જેમ કે વિદેશ મંત્રી ય્વેટ કૂપર અને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઇડી એલેક્ઝાન્ડર પણ બર્નહામના પક્ષમાં આવ્યા છે. આ સિવાય પૂર્વ વિદેશ મંત્રી ડેવિડ મિલિબેન્ડે પણ બર્નહામને પોતાનો ટેકો જાહેર કર્યો છે. જોકે વર્તમાન વડાપ્રધાન સ્ટાર્મરે આ નામાંકન પ્રક્રિયામાં પોતાનો મત આપ્યો નથી.
બીજી તરફ બર્નહામ પોતે પણ આ બાબતને લઈને ઉત્સાહિત છે. તેમણે સંસદ ભવનમાંથી એક ટૂંકો વીડિયો જાહેર કરીને કન્ફર્મ કર્યું હતું કે, હું લેબર પાર્ટીના નેતા તરીકે મારું નામાંકન ફોર્મ ભરી આવ્યો છું. ભૂતકાળમાં 2010 અને 2015ની નેતૃત્વની ચૂંટણીઓમાં મળેલી હારનો ઉલ્લેખ કરતા તેમણે સોશિયલ મીડિયા પર હળવા અંદાજમાં લખ્યું, આશા છે કે ત્રીજી વખત નસીબ સાથ આપશે.રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર આગામી શુક્રવાર સુધીમાં બર્નહામ બિનહરીફ નેતા તરીકે ચૂંટાઈ આવશે અને સોમવાર 20 જુલાઈના રોજ તેઓ ઔપચારિક રીતે બ્રિટનના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે.
બર્નહામે વડાપ્રધાનપદના પ્રથમ દિવસથી જ કડવી વાસ્તવિકતાઓનો સામનો કરવો પડશેઃ સુનાક
પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, એન્ડી બર્નહામને વડાપ્રધાન તરીકેના પ્રથમ દિવસથી જ કડવી વાસ્તવિકતાઓનો સામનો કરવો પડશે. મેં પણ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રથમ દિવસથી જ આવી સ્થિતિનો સામનો કર્યો હતો. બર્નહામ બ્રિટનમાં પરિવર્તન લાવવા માગે છે પરંતુ સફળતા માટે ફક્ત દ્રષ્ટિકોણ હોવો પુરતું નથી. વૈશ્વિક સ્તરે ભૂરાજકીય પ્રવાહો અને ટેકનોલોજીના મામલાઓમાં તેઓ કેવું વલણ અપનાવે છે તેના પર તેમની સફળતાનો આધાર રહેશે.


