એપસ્ટિન કાંડઃ પ્રિન્સ એન્ડ્રુની ધરપકડ, 11 કલાક કસ્ટડીમાં રખાયા બાદ છૂટકારો

જાહેર હોદ્દા પર રહી ગુપ્ત માહિતી શેયર કરવા માટે તપાસ શરૂ, 400 વર્ષમાં પહેલીવાર કોઇ વરિષ્ઠ બ્રિટિશ રાજવીની ધરપકડ કરાઇ

Tuesday 24th February 2026 11:54 EST
 
 

લંડનઃ બ્રિટનના પૂર્વ રાજકુમાર એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરની જાહેર હોદ્દાના કાર્યકાળમાં અશિસ્ત અને ગેરવર્તણુંક માટે ધરપકડ કરાઇ હતી. 11 કલાક કસ્ટડીમાં રખાયા બાદ એન્ડ્રુને મુક્ત કરાયા હતા. જોકે તેમના પર વિધિવત કોઇ આરોપ ઘડાયો નથી કે તેમને આરોપમાંથી મુક્તિ પણ અપાઇ નથી. છેલ્લા 400 વર્ષમાં પહેલીવાર કોઇ વરિષ્ઠ બ્રિટિશ રાજવીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ ઓલિવર રાઇટે જણાવ્યું હતું કે, સંપુર્ણ સમીક્ષા બાદ અમે જાહેર હોદ્દાના કાર્યકાળમાં કરાયેલી ગેરવર્તણુંક અંગેની તપાસનો પ્રારંભ કર્યો છે. અમે આ કેસમાં નોંધપાત્ર જાહેર હિતને સમજી શકીએ છીએ. અમે યોગ્ય સમયે આ કેસની માહિતી આપતા રહીશું.

પૂર્વ રાજકુમાર માટે દુર્ભાગ્યની વાત તો એ હતી કે પોલીસે તેમના 66મા જન્મદિવસે તેમના નિવાસસ્થાન ખાતેથી જ ધરપકડ કરી હતી. સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવનાર જેફરી એપસ્ટિન સાથેને એન્ડ્રુના સંબંધો અંગે ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ ધરપકડ કરાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, એન્ડ્રુના નિવાસસ્થાનની તલાશી પૂરી થઇ છે અને હવે તેમની બીજી પ્રોપર્ટીની તપાસ શરૂ થશે.

એન્ડ્રુની ધરપકડ બાદ કિંગ ચાર્લ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માગુ છું કે કાયદો તેનું કામ કરશે. હાલ કાનૂની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આ મામલામાં કોઇ ટિપ્પણી કરવી મારા માટે યોગ્ય નહીં ગણાય.

એપસ્ટિન કાંડમાં એન્ડ્રુની ધરપકડ અન્ય કારણોસર થઇ છે. આ પહેલાં વર્જિનિયા ગુફરેએ આરોપ મૂક્યા હતા કે વર્ષ 2001માં તે 17 વર્ષની હતી ત્યારે તેને એન્ડ્રુ સાથે શારીરિક સંબંધ બાંધવા બ્રિટન મોકલવામાં આવી હતી. ગુફરેએ ગયા વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. એન્ડ્રુ સતત ઇનકાર કરતા રહ્યા છે કે તેમણે એપસ્ટિન સાથે મળીને કોઇ ખોટું કામ કર્યું છે.

હાલમાં જે તપાસ ચાલી રહી છે તેમાં આરોપ મૂકાયો છે કે 2010માં એન્ડ્રુ બ્રિટનના આંતરરાષ્ટ્રીય વેપારના વિશેષ રાજદૂત હતા ત્યારે દોષી ઠરેલા સેક્સ ઓફેન્ડર એપસ્ટિનને વેપાર અંગેની ગુપ્ત માહિતી આપી હતી. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગયા મહિને જારી કરાયેલી એપસ્ટિન ફાઇલ્સમાં એન્ડ્રુ અને એપસ્ટિન વચ્ચે થયેલો સંદેશા વ્યવહાર બહાર આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter