લંડનઃ પૂર્વ રાજકુમાર એન્ડ્રુની માઠી બેઠી છે. ઘરઆંગણે પ્રિન્સનું ટાઇટલ અને અન્ય દરજ્જા છીનવાઇ ગયા બાદ હવે જેફરી એપસ્ટિન કેસમાં યુએસની કોંગ્રેસે એપસ્ટિન મામલામાં પૂછપરછ માટે એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરને તેડૂં મોકલ્યું છે. એપસ્ટિન મામલામાં થયેલી તપાસની ચકાસણી કરી રહેલી સમિતિના ડેમોક્રેટ સભ્યોએ એન્ડ્રુને એપસ્ટિન સાથેની મિત્રતાને પગલે તપાસમાં સહકાર માટે પૂછપરછ માટે પત્ર લખ્યો છે. સમિતિનું માનવું છે કે એન્ડ્રુ પાસે મહત્વની માહિતી હોઇ શકે છે. એન્ડ્રુને 20 નવેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.
એન્ડ્રુને પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સમિતિ એપસ્ટિન સાથે અપરાધમાં સંકળાયેલા અને લાભાર્થીઓની ઓળખ છતી કરવા માગીએ છીએ. જેથી એપસ્ટિનના કાળા કારનામાની સંપુર્ણ જાણકારી મળી શકે. તમારી સામે પણ દસ્તાવેજી આરોપો છે તેમજ તમારી લાંબા સમયથી એપસ્ટિન સાથે મિત્રતા હતી જે દર્શાવે છે કે અમારી તપાસમાં મદદરૂપ થઇ શકે તેવી માહિતી તમારી પાસે હોઇ શકે છે. એપસ્ટિન કાંડના પીડિતોને ન્યાય મળે તે માટે અમે તમને સમિતિની તપાસમાં સહકાર આપવા અપીલ કરીએ છીએ. અમીર અને શક્તિશાળી લોકો લાંબા સમય સુધી ન્યાય થવા દેતા નથી. તમારી પાસે પીડિતોને ન્યાય અપાવવા અને પોતાને નિર્દોષ પૂરવાર કરવાની આ તક છે.


