લંડનઃ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલી એપસ્ટિન ફાઇલ્સમાં પૂર્વ પ્રિન્સ એન્ડ્રુની રંગરેલિયાની નવી તસવીરો સામે આવી છે. જેફરી એપસ્ટિન સાથેના સંબંધોને પગલે એન્ડ્રુને રાજકુમારની પદવી ગુમાવવાનો વારો આવ્યો હતો. તાજેતરમાં જારી કરાયેલી ફાઇલ્સમાં એક તસવીરમાં એન્ડ્રુને ફ્લોર પર એક મહિલાની ઉપર સૂતેલા જોઇ શકાય છે. બીજી એક તસવીરમાં એન્ડ્રુને એક મહિલાના પેટ પર હાથ મૂકેલા જોઇ શકાય છે.
નવી ફાઇલ્સ અનુસાર એન્ડ્રુએ વર્ષ 2010માં જેફરી એપસ્ટિનને બકિંગહામ પેલેસની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. એપસ્ટિનને વેશ્યાવૃતિ રેકેટના સંદર્ભમાં હાઉસ એરેસ્ટમાંથી મુક્ત કરાયાના બે મહિના બાદ આ આમંત્રણ અપાયું હતું.
ફાઇલ્સમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે એપસ્ટિન એન્ડ્રુને યુવતીઓ સપ્લાય કરતો હતો. 11 ઓગસ્ટ 2010ના એક ઇમેલ અનુસાર એપસ્ટિને એન્ડ્રુ માટે 26 વર્ષીય રશિયન યુવતીની વ્યવસ્થા કરી હતી.
બીજી પીડિતા એન્ડ્રુ સામે કાનૂની ખટલો માંડશે
અમેરિકાના કુખ્યાત સેક્સ ઓફેન્ડરની બીજી એક પીડિતા એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસર સામે કાનૂની પગલાંની તૈયારી કરી રહી હોવાની જાણકારી તેના વકીલે આપી હતી. મહિલાના વકીલ બ્રાડ એડવર્ડ્સે જણાવ્યું હતું કે, એપસ્ટિને મહિલાને એન્ડ્રુના પૂર્વ રાજવી નિવાસસ્થાન ખાતે મોકલી હતી. એન્ડ્રુ સાથે રાત વીતાવ્યા પછી તેને સવારમાં બકિંગહામ પેલેસ લઇ જવામાં આવી હતી. હવે પીડિતા કાનૂની ખટલો દાખલ કરવા વિચારણા કરી રહી છે. જોકે એન્ડ્રુએ તેમના પર મૂકાયેલા આરોપો નકારી કાઢ્યાં છે. વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે એન્ડ્રુને અમેરિકી કોંગ્રેસ સમક્ષ જુબાની આપવા જણાવ્યું છે.
એપસ્ટિન કાંડઃ લોર્ડ મેન્ડલસનનું લેબર પાર્ટીમાંથી રાજીનામુ
એપસ્ટિન કાંડમાં સંડોવાયેલા પૂર્વ મંત્રી લોર્ડ મેન્ડલસને લેબર પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, એપસ્ટિન સાથેના સંબંધોના કારણે હું પાર્ટીને વધુ શરમજનક સ્થિતિમાં મૂકવા માગતો નથી. તેમને એપસ્ટિન સાથેના સંબંધો પર અમેરિકી કોંગ્રેસમાં જુબાની આપવા બોલાવવામાં આવશે. કોંગ્રેસનું માનવું છેકે મેન્ડલસન પાસે એપસ્ટિનના અપરાધો અને તેના સહકાવતરાખોરો અંગે ઘણી માહિતી હોઇ શકે છે. લોર્ડ મેન્ડલસન બિઝનેસ સેક્રેટરી હતા ત્યારે ડિસેમ્બર 2009માં તેમના હસબન્ડને 10,000 પાઉન્ડ મોકલાયા હતા. 2004માં પણ તેમને 36500 પાઉન્ડ એપસ્ટિન દ્વારા મોકલવામાં આવ્યા હતા. વડાપ્રધાન સ્ટાર્મરે મેન્ડલસનની લોર્ડની પદવી છીનવી લેવાના પણ સંકેત આપ્યા છે.
ન્યૂયોર્કના મેયર મમદાનીની માતા મીરા નાયરનું નામ એપસ્ટિન ફાઇલમાં બહાર આવ્યું
અમેરિકા સહિત વિશ્વના દેશોમાં ખળભળાટ મચાવી રહેલી એપસ્ટિન ફાઇલ્સમાં હવે ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીની માતા અને ભારતના જાણીતા ફિલ્મ નિર્માતા – દિગ્દર્શક મીરા નાયરનું પણ નામ સામે આવ્યું છે. 2009માં ઘિસલેઇન મેક્સવેલ સાથે સંકળાયેલા એક સામાજિક કાર્યક્રમ અંગેના ઇમેલમાં મીરા નાયરનું નામ જોવા મળ્યું છે. 21 ઓક્ટોબર 2009ના રોજ મોકલાયેલા આ ઇમેલમાં ફિલ્મ એમિલિયા સાથે સંકળાયેલા મેક્સવેલના ટાઉનહાઉસમાં એક પાર્ટીનું આયોજન કરાયું હતું. મીરા નાયરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ પાર્ટીમાં બિલ ક્લિન્ટન, જેફ બેઝોસ, જીન પિગોઝી અને મીરા નાયર સહિતના લોકો હાજર હતા.


