લંડનઃ એસેક્સમાં એપિંગ ખાતે એક સગીરા પર સેક્સ્યુઅલ એસોલ્ટને પગલે જેલભેગો કરાયેલા ઇથિયોપિયન રાજ્યાશ્રયવાંચ્છુને શુક્રવારે જેલમાંથી ભૂલથી મુક્ત કરી દેવાતાં ખળભળાટ મચી ગયો હતો. હાદુસ કેબાતુને દેશનિકાલ કરાય તે પહેલાં એચએમપી ચેલ્મ્સફોર્ડથી ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર લઇ જવાનો હતો પરંતુ જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, હાદુસ લંડનમાં ગૂમ થઇ ગયો છે.
હાદુસને સપ્ટેમ્બરમાં બાર મહિના કેદની સજા કરાઇ હતી. લેમીએ જણાવ્યું હતું કે, મેટ્રોપોલિટન પોલીસ, બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ અને એસેક્સ પોલીસ સાથે મળીને હાદુસની શોધ કરી રહી છે. વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે હાદુસની મુક્તિને તદ્દન અસ્વીકાર્ય ગણાવતા જણાવ્યું હતું કે, હાદુસને ઝડપી લઇને તેના અપરાધો માટે દેશનિકાલ કરવો જોઇએ.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડનોકે જણાવ્યું હતું કે, હાદુસની મુક્તિ બેજવાબદારીની પરાકાષ્ટા છે. અમે લેબર પાર્ટીના કેદીઓને મુક્ત કરવાના પ્રોગ્રામનો ઉગ્ર વિરોધ કર્યો હતો કારણ કે તેનાથી અપરાધીઓ પાછા સડકો પર આવી જાય છે.
પ્રિઝન ઓફિસે ડિસ્ચાર્જિંગ ડ્યુટી પરના અધિકારીને તાત્કાલિક અસરથી હટાવી લઇને મામલાની તપાસ શરૂ કરી છે. એસેક્સ પોલીસના જણાવ્યા અનુસાર હાદુસ શુક્રવારે બપોરે 12.41 કલાકે ચેલ્મ્સફોર્ડથી લંડન જતી ટ્રેનમાં બેઠો હતો. 12.57 કલાકે પ્રિઝન સર્વિસ દ્વારા હાદુસ ભૂલથી મુક્ત થઇ ગયો હોવાની જાણ કરાઇ હતી. કેબાતુને લંડનના એક પાર્કમાંથી ઝડપી લઇ ફરી કસ્ટડીમાં લેવાયો હતો.


