લંડનઃ એસેક્સના એપિંગ ખાતે આવેલી રાજ્યાશ્રયવાંચ્છુઓની હોટલ પર કેટલાક તોફાની તત્વો દ્વારા કરાયેલા હુમલામાં પોલીસ અધિકારીઓ ઘવાયાં હતાં અને તેમના વાહનોમાં પણ તોડફોડ કરાઇ હતી. બેલ હોટેલની સામે સેંકડો લોકો એકઠાં થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, ટોળા દ્વારા કરાયેલી હિંસામાં એક અધિકારીને ઇજા પહોંચી હતી અને હોટેલમાં પણ તોડફોડ કરાઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, બોડી વોર્ન કેમેરા, ડ્રોન અને સોશિયલ મીડિયાના ફૂટેજ પરથી પોલીસ પર હુમલો કરનારા તત્વોની ઓળખ કરી લેવાઇ છે. આ લોકો એપિંગ અથવા તો એસેક્સના વતની નથી. તેઓ બહારથી આવ્યા હતા. આ પહેલાં પણ આ હોટેલ સામે દેખાવો કરાયાં હતાં પરંતુ તે શાંતિપૂર્ણ રહ્યાં હતાં.
ગયા સપ્તાહમાં એપિંગ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના નેતા ક્રિસ વ્હિટબ્રેડે આ હોટેલ ખાતે નિરાશ્રીતોને નહીં રાખવા હોમ ઓફિસને અપીલ કરી હતી. શહેરમાં એક માઇગ્રન્ટ દ્વારા સેક્સ્યુઅલ એસોલ્ટ કરાતાં તેની ધરપકડ થયા બાદ આ વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું.


