એપ્રિલ 2023થી કોર્પોરેશન ટેક્સ 19 ટકાથી વધારીને 25 ટકા કરાયો

ફૂલ કેપિટલ એક્સપેન્સિંગ પોલિસી અંતર્ગત કંપનીઓને તેમના મૂડીરોકાણને નફામાંથી બાદ કરવાની પરવાનગી અપાઇ

Tuesday 21st March 2023 08:13 EDT
 
 

બ્રિટનમાં એપ્રિલ 2023થી બિઝનેસ મોંઘો બની જશે. ચાન્સેલર જેરેમી હન્ટે બુધવારે રજૂ કરેલા સ્પ્રિંગ બજેટમાં કોર્પોરેશન ટેક્સ હાલના 19 ટકાથી વધારીને 25 ટકા કરવાની જાહેરાત કરી હતી. હન્ટે હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાથી અઢી લાખથી વઘુનો નફો ધરાવતી કંપનીઓએ તેમના નફા પર 25 ટકા કોર્પોરેશન ટેક્સ ચૂકવવો પડશે.

તેમણે જણાવ્યું હતું કે, આઇટી ઇક્વિપમેન્ટ, પ્લાન્ટ અથવા મશીનરીમાં મૂડીરોકાણ કરનારા બિઝનેસને તેમના દ્વારા રોકાણ કરાયેલા દરેક પાઉન્ડને કરપાત્ર નફામાંથી બાદ કરવાની પરવાનગી આપવામાં આવે છે. કોર્પોરેશન ટેક્સમાં વધારાની સૌપ્રથમ જાહેરાત 2021માં તત્કાલિન ચાન્સેલર રિશી સુનાક દ્વારા કરવામાં આવી હતી જે મોટી રાજકીય ચર્ચાનો વિષય બની રહી હતી.

પૂર્વ વડાંપ્રધાન લિઝ ટ્રસ દ્વારા સપ્ટેમ્બર 2022માં રજૂ કરાયેલા મિની બજેટમાં આ નીતિ રદ કરવાનો પ્રયાસ કરાયો હતો અને હજુ પણ કેટલાક ટોરી સાંસદો તેનો વિરોધ કરી રહ્યાં છે. સ્પ્રિંગ બજેટ રજૂ કરતી વખતે ચાન્સેલર હન્ટે જણાવ્યું હતું કે, જી-7 દેશોમાં યુકે એપ્રિલમાં નવા દર અમલમાં આવ્યા પછી પણ સૌથી ઓછો કોર્પોરેશન ટેક્સ ધરાવે છે. ફક્ત 10 ટકા બિઝનેસને પૂરેપૂરો કોર્પોરેશન ટેક્સ ચૂકવવાનો રહેશે.

હન્ટે જણાવ્યું હતું કે, નવા માળખાના કારણે પ્રતિ વર્ષ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટમાં 3 ટકાનો વધારો કરી શકાશે.જો આમ ન કરાયું હોત તો કર સ્પર્ધાત્મકતા પરના આંતરરાષ્ટ્રીય લીગ ટેબલમાં યુકે પાછળ ધકેલાઇ ગયો હોત અને વિકાસને નુકસાન થયું હોત. નવી ફૂલ કેપિટલ એક્સપેન્સિંગ પોલિસી અંતર્ગત કંપનીઓને તેમના મૂડીરોકાણને નફામાંથી બાદ કરવાની પરવાનગી અપાઇ છે જેના કારણે તેમણે ઓછો કોર્પોરેશન ટેક્સ ચૂકવવો પડશે. હન્ટે જણાવ્યું હતું કે, નવી પોલિસી પ્રાથમિક ધોરણે 3 વર્ષ માટે અમલમાં રહેશે પરંતુ સરકાર તેને કાયમી ધોરણે અમલી બનાવવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter