લંડન
ચાન્સેલર જેરેમી હન્ટે એપ્રિલ 2023થી પેન્શન અને અન્ય સરકારી લાભોમાં સપ્ટેમ્બર 2022ના ફુગાવાના દર 10.1 ટકાને અનુલક્ષીને વધારો કરવાની જાહેરાત કરી છે. જેના પગલે લાખો પેન્શનરો અને અન્ય સરકારી લાભો મેળવનારા લાભાર્થીઓની આવકમાં વધારો થશે. ફુગાવાને સંલગ્ન પેન્શન વધારાના કારણે પેન્શનરોના પેન્શનમાં પ્રતિ સપ્તાહ 18.70 પાઉન્ડથી 203.85 પાઉન્ડ સુધીનો વધારો થવાની સંભાવના છે. સ્ટેટ પેન્શન પ્રતિ વર્ષ 10,600 પાઉન્ડ પર પહોંચી જશે.
પેન્શન ટ્રિપલ લોક સરેરાશ આવક, ફુગાવાના દર અથવા તો 2.5 ટકા એમ આ ત્રણમાંથી જે વધુ હોય તેના આધારે પેન્શનરોને લાભ અપાતો હોય છે. આ વર્ષે પેન્શન લોક એક વર્ષ માટે હંગામી ધોરણે સ્થગિત કરી દેવાયા બાદ સ્ટેટ પેન્શનમાં 3.1 ટકાનો વધારો કરાયો હતો. હવે ઓટોમન બજેટમાં કરાયેલી જાહેરાતનો અર્થ એ છે કે એપ્રિલ 2023થી શરૂ થનારા નાણાકીય વર્ષમાં ફુગાવાના દરના આધારે પેન્શનમાં વધારો થશે.
હાલ દેશમાં ફુગાવાનો દર 11.1 ટકા પર પહોંચી ગયો છે. ઓબીઆરના અંદાજ નુસાર આ વર્ષે ફુગાવાનો દર 9.1 ટકા અને આગામી વર્ષે 7.4 ટકા રહેવાનો અંદાજ છે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, સ્ટેટ પેન્શન એજની સરકારી સમીક્ષા વર્ષ 2023ના પ્રારંભે જારી કરાશે.


