લંડન
પૂર્વ વડાંપ્રધાન લિઝ ટ્રસ દ્વારા જાહેર કરાયેલા એનર્જી બિલ સપોર્ટ પેકેજ પર ચાન્સેલર જેરેમી હન્ટે કાતર ફેરવી દેતાં આગામી એપ્રિલ મહિનાથી પરિવારના સરેરાશ વીજળી બિલમાં તોતિંગ વધારો થવા જઇ રહ્યો છે. એક સરેરાશ પરિવારના વીજળી બિલ પ્રતિ વર્ષ 2500થી વધીને 3000 પાઉન્ડ થશે. જોકે આ પગલા દ્વારા આગામી બે વર્ષ માટે સરેરાશ પરિવારને વીજળી બિલમાં વાર્ષિક 1000 પાઉન્ડની રાહત મળતી રહેશે.
ચાન્સેલર હન્ટે ગુરુવારે સંસદમાં ઓટોમન બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, એપ્રિલ 2023થી 12 મહિના માટે એનર્જી પ્રાઇસ ગેરેંટી પ્રતિ વર્ષ 2500 પાઉન્ડથી વધારીને 3000 પાઉન્ડ કરવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે આ સમયગાળામાં વીજળીની કિંમતોમાં વધારો થશે તો પરિવારોએ વીજળીના વપરાશ માટે વધુ નાણા ખર્ચવા પડશે.
એનર્જી બિલના નવા પેકેજ પ્રમાણે સરેરાશ વપરાશકારનું વીજળીનું બિલ 3000 પાઉન્ડ રહેશે. જે એક અંદાજ પ્રમાણે તેમને મહત્તમ 3700 પાઉન્ડ સુધીના વધારા સામે 700 પાઉન્ડ સુધીની રાહત આપશે. માર્ચ 2022માં સરેરાશ વીજળીનું બિલ 1277 પાઉન્ડ રહેતું હતું. તેનો અર્થ એ થયો કે 13 મહિનામાં વીજળીના બિલમાં અઢી ગણો વધારો નિશ્ચિત બન્યો છે.
હન્ટે જણાવ્યું હતું કે, સરકાર એપ્રિલ 2023 પછી પણ પરિવારોને એનર્જી બિલમાં સહાય કરતી રહેશે. જેના કારણે દરેક પરિવાર એનર્જી કોસ્ટમાં 500 પાઉન્ડની બચત કરી શકશે.


