એપ્રિલ 2024થી લઘુત્તમ વેતન 11 પાઉન્ડ પ્રતિ કલાક કરાશેઃ ચાન્સેલર

નવેમ્બરના ઓટોમ સ્ટેટમેન્ટમાં સત્તાવાર ઘોષણાની સંભાવના

Tuesday 03rd October 2023 11:49 EDT
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સ ખાતે સંબોધન કરતા ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે વધુ લોકોને કામ પર જતા કરવા માટે સરકાર દ્વારા અપાતા લાભોના નિયમો આકરા કરાશે અને લઘુત્તમ વેતનમાં વધારો કરાશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાથી લઘુત્તમ વેતન 11 પાઉન્ડ પ્રતિ કલાક કરવાની સરકારની યોજના છે. નવેમ્બર મહિનામાં જારી થનારા ઓટોમ સ્ટેટમેન્ટમાં આ અંગેની જાહેરાત કરાશે.

માન્ચેસ્ટર ખાતે આયોજિત કોન્ફરન્સમાં સંબોધન કરતા જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, હું વધુ એક કન્ઝર્વેટિવ સુધારાની જાહેરાત કરી રહ્યો છું અને તે છે નેશનલ લિવિંગ વેજ. જ્યારથી અમે નેશનલ લિવિંગ વેજનો અમલ કર્યો છે, બે મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર લાવી શકાયાં છે. અમે લઘુત્તમ વેતનને મધ્યમ આવકના 66 ટકા સુધી લઇ જવાનું વચન આપ્યું હતું જેથી દેશમાં ઓછા પગાર ધોરણનો અંત આવે. હાલ દેશમાં લઘુત્તમ વેતન 10.42 પાઉન્ડ પ્રતિ કલાક છે અને અમે લો પે કમિશનની આગામી વર્ષ માટેની ભલામણની રાહ જોઇ રહ્યાં છીએ. આજે હું એ વાત ખાતરીપુર્વક કહેવા માગુ છું કે કમિશનની ભલામણ ગમે તે હશે પરંતુ અમે આગામી વર્ષથી લઘુત્તમ વેતન 11 પાઉન્ડ પ્રતિ કલાક કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter