લંડન
ચાન્સેલર જેરેમી હન્ટે ઝીરો એમિશન વ્હિકલ્સને અપાતી એક્સાઇઝ ડ્યુટી મુક્તિ એપ્રિલ 2025થી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હું વાહનો પરના ટેક્સને વધુ સરળ બનાવવા માગુ છું. 2025 સુધીમાં 50 ટકા નવા વાહનો ઇલેક્ટ્રિક હશે. હાલ બ્રિટનમાં ઇલેક્ટ્રિક સિવાયના તમામ વાહનો પાસેથી વ્હિકલ એક્સાઇઝ ડ્યુટી અથવા તો રોડ ટેક્સની વસૂલાત કરાય છે. પ્રદૂષણ ફેલાવતા વાહનોને અત્યારે 2000 પાઉન્ડ એક્સાઇઝ ડ્યુટી ચૂકવવી પડે છે. નવા વાહનો પાસેથી પહેલા વર્ષે કાર્બન એમિશનના આધારે ટેક્સની વસૂલાત કરાય છે. ત્યાર પછી દર વર્ષે રોડ ટેક્સ પેટે 140 પાઉન્ડ ચૂકવવાના રહે છે. પરંતુ હવે એપ્રિલ 2025થી ઝીરો એમિશન એટલે કે ઇલેક્ટ્રિક વાહનોને પણ રોડ ટેક્સ ચૂકવવાનો રહેશે. જોકે તેમણે કેટલો ટેક્સ ચૂકવવો પડશે તે હજુ નક્કી કરાયું નથી.
1 એપ્રિલ 2025થી તમામ ઇલેક્ટ્રિક વાહનોને 165 પાઉન્ડ રોડ ટેક્સ ચૂકવવો પડશે. 1 એપ્રિલ 2017 પછી નોંધાયેલા ઇલેક્ટ્રિક વાહને 165 પાઉન્ડને સપ્રમાણ ટેક્સ ચૂકવવાનો રહેશે. નવા વાહનોએ પહેલા વર્ષ માટે 10 પાઉન્ડ ટેક્સ ચૂકવવાનો રહેશે. બીજા વર્ષથી તેમણે સ્ટાન્ડર્ડ 165 પાઉન્ડ ચૂકવવા પડશે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 12 પેન્સ પ્રતિ લિટરનો તોળાતો વધારો
સરકારની બજેટ વોચડોગ સંસ્થાના અંદાજ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 12 પેન્સ પ્રતિ લિટરનો વધારો થઇ શકે છે. જેરેમી હન્ટ દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કોઇ ઘટાડો કરાયો નથી તેથી જો હાલના દરે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થતો રહેશે તો પ્રતિ લિટર પાંચ પેન્સ વેટના હિસાબે પેટ્રોલની કિંમત 175 પેન્સ અને ડીઝલની કિંમત 2 પાઉન્ડ પ્રતિ લિટર પર પહોંચી શકે છે.
પ્રીતિ પટેલના નેતૃત્વમાં ટોરીઝ દ્વારા ઇંધણો પરના વેટમાં ઘટાડાની માગ
ચાન્સેલરે બજેટમાં ઇંધણો પરના વેટમાં કોઇ ઘટાડો ન કરતાં પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના નેતૃત્વમાં 22 ટોરી સાંસદોએ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કાપ મૂકવાની માગ કરી છે. તેમણે ચાન્સેલરને પત્ર લખીને જણાવ્યું છે કે સરકાર ઓછામાં ઓછું આગામી ચૂંટણી સુધી હાલનો ઇંધણોનો દર યથાવત રાખવાનું વચન આપે.


