લંડનઃ ચાન્સેલર રીવ્ઝ ઓટમ બજેટ રજૂ કરે તે પહેલાં સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. એપ્રિલથી લાગુ થનારા આ વધારાનો લાખો લોકોને લાભ થશે. સરકારે કરેલી જાહેરાત અનુસાર 21 વર્ષથી વધુ વયના લોકોને 50 પેન્સના વધારા સાથે પ્રતિ કલાક 12.71 પાઉન્ડ, 18-20ની વયજૂથના વર્કર્સને 85 પેન્સના વધારા સાથે પ્રતિ કલાક 10.85 પાઉન્ડ અને 18 વર્ષથી નાના વર્કર્સને 45 પેન્સના વધારા સાથે પ્રતિ કલાક 8 પાઉન્ડ ચૂકવાશે.
ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું હતું કે, લઘુત્તમ વેતનમાં વધારાથી 2.7 મિલિયન લોકોને લાભ થશે. આ વધારો આગામી એપ્રિલથી અમલમાં આવશે. બિઝનેસોએ ચેતવણી ઉચ્ચારી છે કે લઘુત્તમ વેતનમાં વધારાના કારણે બિઝનેસો નોકરીઓ પર રાખવાનું બંધ કરી દેશે. જોકે રીવ્ઝનું કહેવું છે કે કોસ્ટ ઓફ લિવિંગ હજુ પણ નોકરીયાતો માટે મોટી સમસ્યા છે. ઓછી આવક ધરાવતા લોકો માટે અર્થતંત્ર સારી રીતે કામ કરી રહ્યું નથી.
ટ્રેઝરીએ જણાવ્યું હતું કે વર્કર્સની જરૂરીયાતો અને બિઝનેસોની સુવિધા વચ્ચે સંતુલન રાખીને નવા લઘુત્તમ વેતનના દરો જાહેર કરાયાં છે. લો પે કમિશને જણાવ્યું છે કે અગાઉ પણ લઘુત્તમ વેતનમાં વધારો કરાયો હતો અને તેની કોઇ નકારાત્મક અસરો જોવા મળી નહોતી.
કોને કેટલું લઘુત્તમ વેતન મળશે
21 વર્ષથી મોટા વર્કર્સઃ 12.71 પાઉન્ડ પ્રતિ કલાકઃ 50 પેન્સનો વધારો
18થી 20 વર્ષના વર્કર્સઃ 10.85 પાઉન્ડ પ્રતિ કલાકઃ 85 પેન્સનો વધારો
18 વર્ષથી નાના વર્કર્સઃ 8.00 પાઉન્ડ પ્રતિ કલાકઃ 45 પેન્સનો વધારો


