એપ્રિલ 2027થી આઇએસએમાં પ્રતિ વર્ષ 12,000 પાઉન્ડની રોકડ બચત જ કરી શકાશે

આઇએસએ ઉપરાંતના સેવિંગ્સ એકાઉન્ટ્સની વ્યાજની આવક પરના ટેક્સમાં 2 ટકાનો વધારો

Tuesday 02nd December 2025 09:13 EST
 
 

લંડનઃ ચાન્સેલરે ઇન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ (આઇએસએ)માં મળતી કરરાહતો પર પણ લગામ કસી છે. હાલ બચતકર્તાઓ તેમના આઇએસએ એકાઉન્ટમાં પ્રતિ વર્ષ 20,000 પાઉન્ડની બચત કરી શકે છે. આ એકાઉન્ટમાં થતી વ્યાજ અને કેપિટલ ગેઇનની આવકો પર કોઇ ટેક્સ લાગુ થતો નથી. પરંતુ હવે એપ્રિલ 2027થી આઇએસએ એકાઉન્ટમાં 12,000 પાઉન્ડ પ્રતિ વર્ષ રોકડની જ બચત કરી શકાશે. બાકીના 8,000 પાઉન્ડ સ્ટોક અને શેરમાં રોકવા પડશે. જોકે આ મર્યાદામાંથી 65 વર્ષથી વધુ વયના લોકોને મુક્તિ આપવામાં આવી છે. સરકાર લોકોને શેરબજારમાં વધુ રોકાણ કરતા જોવા ઇચ્છે છે. સરકારનું માનવું છે કે તેના દ્વારા અર્થતંત્રને વેગ મળશે. 

તે ઉપરાંત બચતકર્તાઓને થતી વ્યાજની આવક પર પણ ચાન્સેલરે ધાડ પાડી છે. આઇએસએ ઉપરાંતના  સેવિંગ્સ એકાઉન્ટ્સમાં થતી વ્યાજની આવક પર એપ્રિલ 2027થી કરના દરમાં 2 ટકાનો વધારો કરાયો છે. અત્યાર સુધી આ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટમાં પ્રતિ વર્ષ 1000 પાઉન્ડથી વધુની વ્યાજની આવક પર બેઝિક રેટ ટેક્સ પેયર્સે 20 ટકા અને હાઇ રેટ ટેક્સપેયર્સે 500 પાઉન્ડ કરતાં વધુ વ્યાજની આવક પર 40 ટકા અને એડિશનલ રેટ ટેક્સ પેયર્સે તમામ વ્યાજની આવક પર 45 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે એપ્રિલ 2027થી તેમને અનુક્રમે 22,42 અને 47 ટકા ટેક્સ ચૂકવવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter