લંડનઃ નવા નિયમો મુજબ કેશ આઇએસએ ખાતા ધારકો માટે કરમુક્ત બચતની સીમા ઘટાડી દેવામાં આવી છે જેનાથી બચતકર્તાઓને મોટો આંચકો લાગવાની શક્યતા છે. 65 વર્ષથી ઓછી વયના નાગરિકો માટે વાર્ષિક કેશ આઇએસએ મર્યાદા 20,000 પાઉન્ડથી ઘટાડીને 12,000 પાઉન્ડ કરવામાં આવી છે. આનાથી બેંક વ્યાજ દ્વારા થતી આવકમાં ઘટાડો થશે. બાકીના 8,000 પાઉન્ડ બચતકારો શેર એન્ડ સ્ટોક્સ આઇએસએમાં રોકાણ કરી શકશે, પરંતુ આ ખાતામાં જમા થયેલી રોકડ રકમ પર મેળવેલા વ્યાજ પર 22 ટકાનો ચાર્જ ચૂકવવો પડશે.
સ્માર્ટ સેવર્સ નિયમોનું ઉલ્લંઘન કરીને ઇન્વેસ્ટમેન્ટ આઇએસએનો ઉપયોગ કેશ હોલ્ડિંગ માટે ન કરે તે માટે સરકાર દ્વારા 22 ટકાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જોકે, 65 વર્ષ કે તેથી વધુ વયના સીનિયર સિટિઝન્સ માટે આ નિયમ લાગુ થશે નહીં. તેઓ પૂર્વે નક્કી કરેલી 20,000 પાઉન્ડની સંપૂર્ણ કરમુક્ત મર્યાદાનો લાભ મેળવી શકશે.
બચત અને રોકાણ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી વર્ષથી અમલમાં આવનારા આ ફેરફારોને કારણે 10,000 પાઉન્ડથી વધુની બચત ધરાવતા પરિવારોએ પોતાના નાણાંનું સુરક્ષિત અને ફાયદાકારક રીતે આયોજન કરવા માટે નવી વ્યૂહરચના વિચારવી પડશે.


