લંડનઃ ઇલેક્ટ્રીક કાર અને હાઇબ્રીડ કારો પર નવો પે પર માઇલ ટેક્સ લાગુ કરાયો છે. એપ્રિલ 2028થી ઇલેક્ટ્રીક કાર માટે 3 પેન્સ અને પ્લગ ઇન હાઇબ્રી કાર માટે 1.5 પેન્સ પ્રતિ માઇલનો ટેક્સ ચૂકવવો પડશે. આ ટેક્સની આવકનો ઉપયોગ સડકોની મરામત માટે કરાશે.
બીજીતરફ ફ્યુઅલ ડ્યુટી પરનો સ્થગનાદેશ સતત 15મા વર્ષ માટે લંબાવી દેવાયો છે. 2022માં તત્કાલિન કન્ઝર્વેટિવ સરકારે ફ્યુઅલ ડ્યુટીમાં 5 પેન્સનો ઘટાડો કર્યો હતો. ચાન્સેલર રીવ્ઝે સપ્ટેમ્બર 2026 સુધી ફ્યુઅલ ડ્યુટી યથાવત રાખવાની જાહેરાત કરી છે. એપ્રિલ 2027થી સરકાર ફુગાવાના આધારે ફ્યુઅલ ડ્યુટીમાં તબક્કાવાર વધારો કરશે.
ચાન્સેલરે મોટેબિલિટીમાં પણ બદલાવની જાહેરાત કરી છે. મોટેબિલિટી સ્કીમ અંર્ગત વિકલાંગોને કાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે આ સ્કીમ અંતર્ગત બીએમડબલ્યુ, ઓડી અને મર્સિડિઝ જેવી લક્ઝરી કારના મોડેલ અપાશે નહીં. આ સ્કીમ દ્વારા ડિસએબિલિટી એલાઉન્સ મેળવતા લોકોને સસ્તા દરે વાહનો લીઝ પર અપાય છે.
સરકારે 1996 પછી પહેલીવાર આગામી એક વર્ષ માટે રેલવે ભાડા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રેલવેના ભાડામાં વધારો નહીં થતા પ્રવાસીઓને થોડી રાહત મળી રહેશે.


