એપ્રિલથી એનર્જી પ્રાઇઝ કેપ 999 પાઉન્ડ ઘટીને 3280 પાઉન્ડ રહેશે

એનર્જી પ્રાઇઝ કેપમાં ઘટાડો છતાં વીજળીના બિલમાં વધારો નિશ્ચિત

Tuesday 28th February 2023 11:18 EST
 
 

લંડન

એપ્રિલ 2023થી એનર્જી પ્રાઇઝ કેપમાં 999 પાઉન્ડનો ઘટાડો કરીને 3280 પાઉન્ડ કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા અપાતી સહાયમાં ઘટાડો થવાના પગલે વીજળીના બિલમાં વધારો જોવા મળશે. એનર્જી રેગ્યુલેટર ઓફજેમે જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી 3 મહિના માટે એવરેજ ડ્યુઅલ ફ્યુઅલ, ડાયરેક્ટ ડેબિટ કસ્ટમર માટેના હાઉસહોલ્ડ બિલ પરની ત્રિમાસિક કેપમાં 23 ટકાનો ઘટાડો કરાયો છે. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકમાં પ્રાઇઝ કેપ 4279 પાઉન્ડ હતી જે હવે ઘટાડીને 3280 રાઉન્ડ કરાઇ છે. સરકાર દ્વારા અપાતી સહાય એપ્રિલ મહિનાથી બંધ થવાની હોવાથી વીજળીના વાર્ષિક બિલ 3000 પાઉન્ડ થઇ શકે છે. ચાન્સેલર જેરેમી હન્ટ 15મી માર્ચે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે તેમને વીજળી બિલમાં અપાતી સહાયમાં ઘટાડો નહીં કરવાની અપીલ કરાઇ છે.

ઓફજેમના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથાન બ્રેઅરલીએ જણાવ્યું હતું કે, વીજળીની જથ્થાબંધ કિંમતમાં ઘટાડો થયો છે પરંતુ એનર્જી પ્રાઇઝ ગેરેન્ટીના નિયોજિત સ્તર કરતાં પ્રાઇઝ કેપ નીચી ન જવાના કારણે હાલની નીતિ પ્રમાણે એપ્રિલ મહિનાથી વીજળીના બિલમાં વધારો થશે. હું જાણું છું કે ઘણા પરિવારો માટે આ સમાચાર ચિંતાજનક છે.

ગેસની જથ્થાબંધ કિંમતોમાં તાજેતરના મહિનાઓમાં મોટો ઘટાડો થયો છે પરંતુ તેનો સીધો લાભ ગ્રાહકોને હાલ મળી રહ્યો નથી કારણ કે સપ્લાયરો એડવાન્સમાં એનર્જીની ખરીદી કરતાં હોય છે જેના કારણે જુલાઇ મહિના પછી એનર્જી પ્રાઇઝ કેપ 2100 પાઉન્ડ સુધી ઘટે તેવી સંભાવના છે.

9 લાખ પરિવારને એનર્જી બિલમાં 400 પાઉન્ડની સહાય

ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં વીજળી બિલમાં સરકાર દ્વારા અપાતી 400 પાઉન્ડની સહાય માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરાયું છે. આ યોજનાનો લાભ 9 લાખ પરિવારોને મળશે. પાર્ક હોમ અને કેર હોમમાં રહેતા ઇલેક્ટ્રિસિટી સપ્લાયર સાથે સીધો સંપર્ક ન ધરાવતા પરિવારો પણ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરીને સરકારની આ સહાયનો લાભ મેળવી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter