લંડનઃ એપ્રિલ મહિનાથી ઓફજેમની નવી એનર્જી પ્રાઇસ કેપ અમલમાં આવતાંની સાથે એનર્જી બિલમાં 6.4 ટકાનો વધારો થશે જેના પગલે જનતાના ખિસ્સા પરનો બોજો વધશે. એનર્જી પ્રાઇસ કેપમાં વધારો થતાં ગેસ અને એનર્જીના વાર્ષિક બિલમાં 111 પાઉન્ડ અને માસિક 9.25 પાઉન્ડનો વધારો થશે. કુલ વાર્ષિક સરેરાશ બિલ 1849 પાઉન્ડ પર પહોંચી જશે. આ ભાવવધારાની અસર ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડના 22 મિલિયન પરિવારો પર પડશે.
રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર ફુગાવામાં વધારાના કારણે હોલસેલ કોસ્ટમાં વધારો થઇ રહ્યો છે. આ સાથે વોટર બિલ અને કાઉન્સિલ ટેક્સમાં પણ વધારો થવાનો છે તેથી જનતાને વધારાનો આર્થિક બોજો વહન કરવો પડશે.
ઓફજેમના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથાન બ્રેઅર્લીએ જણાવ્યું હતું કે, આ ભાવવધારો ઘણા લોકો માટે મોટો પડકાર બની રહેશે. તેઓ હવે પછીનો વધારો સ્વીકારી શકશે નહીં. ગ્રાહકોએ હવે ફિક્સ્ડ ટેરિફ અંગે વિચારણા કરવી જોઇએ. જેમને બિલ ચૂકવવામાં સમસ્યા નડી રહી હોય તેઓ તેમના સપ્લાયર પાસે મદદની માગ કરી શકે છે.