લંડનઃ સમગ્ર ઇંગ્લેન્ડમાં ઓછી આવક ધરાવતા લોકોને ઇમર્જન્સી આર્થિક સહાય માટે નવી ફંડિંગ સ્કીમનો આગામી એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. આગામી 3 વર્ષ માટે ક્રાઇસિસ એન્ડ રેઝિલિયન્સ ફંડ અંતર્ગત પ્રતિ વર્ષ 1 બિલિયન પાઉન્ડની સહાય અપાશે. જરૂરીયાતમંદો સ્થાનિક કાઉન્સિલના માધ્યમથી ઇમર્જન્સી ફંડ માટે અરજી કરી શકશે. હાલમાં બેનિફિટ્સ મેળવનારા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે.
નોકરી ગુમાવવા, આવકમાં ઘટાડો અથવા તો આકસ્મિક ખર્ચના કિસ્સામાં કાઉન્સિલો જરૂરીયાતમંદોને આર્થિક મદદ કરી શકશે. નવી યોજના હંગામી ધોરણે શરૂ કરાયેલા હાઉસહોલ્ડ સપોર્ટ ફંડનું સ્થાન લેશે. જોકે સરકારની આ યોજનાથી કેટલીક કાઉન્સિલો નારાજ પણ છે કારણ કે તેમને આ માટે વધુ ભંડોળની ફાળવણી કરવી પડશે.
મોટાભાગની કાઉન્સિલોનું માનવું છે કે હાલમાં અપાતું ભંડોળ સ્થાનિક કલ્યાણ યોજનાઓ માટે પુરતું નથી. સરકારનું માનવું છે કે આ યોજનાના પગલે ફૂડ બેન્કો પરનું ભારણ ઘટાડી શકાશે.

