લંડનઃ બ્રિટનમાં ૪૦ લાખ લોકો એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના છે ત્યારે છેક ૧૯૭૮થી ભૂલભરેલાં પેન્શન રેકોર્ડ્સથી કેટલાક લોકો નિવૃત્તિમાં વધારે અને કેટલાક ઓછી આવક મેળવે તેવું જોખમ છે. નવી પેન્શન સિસ્ટમમાં સ્ત્રીઓને વધુ લાભ મળશે તેમ સરકારનું પણ કહેવું છે. છઠ્ઠી એપ્રિલથી ૧૧૯.૩૦ પાઉન્ડના વર્તમાન સાપ્તાહિક બેઝિક પેન્શનનું સ્થાન નવુ સરકારી પેન્શન લેશે, જેનો મહત્તમ ફ્લેટ-રેટ દર ૧૫૫.૬૫ પાઉન્ડ હશે. સરકાર સ્ટેટ પેન્શનની પદ્ધતિ વધુ સરળ અને સમજી શકાય તેવી બનાવવા સુગઠિત પ્રયાસ કરી રહી છે.
બ્રિટનની સૌથી મોટી કંપની પેન્શન યોજનાઓ દ્વારા મિનિસ્ટર્સને ચેતવણી પણ અપાઈ છે કે નવા ફ્લેટ-રેટ પેઆઉટ્સની ગણતરીમાં ઉપયોગમાં લેવાતો ડેટા અવિશ્વસનીય છે. આનો અર્થ એ થાય કે સરેરાશ નિવૃત્તિગાળામાં કેટલાકને ૬,૫૦૦ પાઉન્ડ જેટલી રકમ વધારે અથવા ઓછી મળશે. પેન્શન યોજનાઓ અને HMRC બચતકારોના ડેટા સરખાવે છે ત્યારે સરેરાશ પાંચમાંથી એક ડેટા મેચ થતો નથી કારણકે ડેટા છેક ૧૯૭૮થી દર વર્ષે મેન્યુઅલી તૈયાર કરાતો આવ્યો છે.
એમ પણ જાણવા મળ્યું છે કે જેમના ભંડોળ પર્સનલ પેન્શન્સમાં ટ્રાન્સફર કરાયા છે તેવા ૬૦ લાખ લોકોનાં સંપૂર્ણ ડેટાનું અસ્તિત્વ જ નથી. આ સમસ્યાના ઉકેલ માટે પર્સનલ પેન્શન્સ પ્રોવાઈડર્સ બચતકારો અને HMRCના ડેટા સરખાવી જોશે. જોકે, ૧૦૦,૦૦૦ સભ્ય ધરાવતા ધ રોયલ મેઈલ પેન્શન પ્લાન અને ૩૦૦,૦૦૦ સભ્યો સાથેની બીટી પેન્શન સ્કીમ દ્વારા વર્ક એન્ડ પેન્શન્સ કમિટીને ચેતવણી આપી છે કે તેના અને HMRCના ડેટામાં ભારે તફાવત છે.

