એપ્રિલથી પાણી અને સુએજના બિલમાં સરેરાશ 6 ટકાનો વધારો

27 પાઉન્ડના વધારા સાથે સરેરાશ વાર્ષિક બિલ 473 પાઉન્ડ પર પહોંચશે

Tuesday 06th February 2024 11:00 EST
 

લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એપ્રિલ મહિનાથી પાણી અને સુએજના બિલમાં સરેરાશ 6 ટકાનો વધારો થશે. વોટર યુકેના જણાવ્યા અનુસાર પાણી અને સુએજના બિલમાં પ્રતિ વર્ષ 27 પાઉન્ડનો વધારો થશે જેના કારણે પ્રતિ વર્ષ સરેરાશ બિલ 473 પાઉન્ડ પર પહોંચી જશે. પાણીના અપુરતા પૂરવઠા અને જાણીજોઇને છોડાતાં ગટરના પાણી મુદ્દે પ્રવર્તતા આક્રોશના કારણે માળખાકીય સુવિધાઓમાં સુધારા કરવા માટે જરૂરી ભંડોળ ઊભું કરવા આ વધારો જરૂરી બન્યો છે.

વોટર યુકેએ ઓક્ટોબર 2023માં જાહેરાત કરી હતી કે દાયકાના ઉત્તરાર્ધમાં તે વપરાશકર્તાઓના વધુ યોગદાન માટે પરવાનગી માગે છે. બિલમાં વધારાના કારણે થનારી આવકનો ઉપયોગ 10 નવા જળાશયો તૈયાર કરવા, લીકેજ અટકાવવા અને ગટરના પાણીના લીકેજને અટકાવવામાં કરાશે.

બિલમાં વધારાના કારણે 14 બિલિયન પાઉન્ડના રોકાણના દ્વાર ખુલી જશે. તેનાથી પાણી પૂરવઠાને સુનિશ્ચિત કરી શકાશે અને નદીઓ તથા સમુદ્રમાં છોડાતા ગટરના પાણીનો જથ્થો નોંધપાત્ર માત્રામાં ઘટાડી શકાશે. બિલમાં વધારાને પહોંચી વળવા ઓછી આવક ધરાવતા 20 લાખ પરિવારને મદદ પણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter