એપ્રિલથી બ્રિટનવાસીઓના ખિસ્સા પર વધારાનો બોજો, કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ગંભીર બનશે

2023-24ના નવા નાણાકીય વર્ષમાં બ્રિટિશ પરિવારો પર સરેરાશ 700 પાઉન્ડનો બોજો વધી ગયો

Tuesday 04th April 2023 13:00 EDT
 
 

લંડન

એપ્રિલના આગમન સાથે જ બ્રિટનવાસીઓના ખિસ્સા પર મોટો બોજો પણ આવી પડ્યો છે. બ્રોડબેન્ડ, મોબાઇલ, પાણી અને કાઉન્સિલ ટેક્સમાં એપ્રિલથી થઇ રહેલા વધારાના કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ વધુ ગંભીર બની રહેશે. સીઇબીઆર દ્વારા કરાયેલા એક રિસર્ચ પ્રમાણે એપ્રિલથી શરૂ થઇ રહેલા વર્ષમાં બ્રિટિશ પરિવારો પર સરેરાશ 700 પાઉન્ડનો બોજો વધી જશે. 1 એપ્રિલથી અમલમાં આવી રહેલા ટેક્સ વધારા અને બિલમાં વધારાના કારણે 50,000 પાઉન્ડની વાર્ષિક આવક ધરાવતા પરિવાર પર 700 પઉન્ડનો વધારાનો બોજો પડશે. જે 1950ના દાયકા પછીનો સૌથી મોટો બોજો છે. સીઇબીઆર દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર પહેલીવાર સરેરાશ કાઉન્સિલ ટેક્સ બિલ 2000 પાઉન્ડને આંબી જશે. 1 એપ્રિલથી કાઉન્સિલ ટેક્સમાં સરેરાશ 99 પાઉન્ડનો વધારો થઇ રહ્યો છે.

1 એપ્રિલથી વધેલો બોજો

  1. કાઉન્સિલ ટેક્સમાં પાંચ ટકાનો વધારો (100 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે)

મોટાભાગની કાઉન્સિલો દ્વારા પાંચ ટકાનો વધારો કરાયો છે જેના પગલે બેન્ડ ડી પ્રોપર્ટી ટેક્સમાં 100 પાઉન્ડ સુધીનો વધારો થશે. પહેલીવાર કાઉન્સિલ ટેક્સ 2000 પાઉન્ડને વટાવી જશે.

  1. પાણીના બિલમાં 7.5 ટકાનો વધારો (31 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે)

પાણીના બિલમાં છેલ્લા 20 વર્ષનો સૌથી મોટો વધારો, સરેરાશ પરિવારના પાણીના બિલ 448 પાઉન્ડ પહોંચી જશે. 7.5 ટકાનો વધારો એટલે ગ્રાહકે સરેરાશ 31 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે.

  1. એનએચએસના પ્રિસ્ક્રિપ્શનમાં 30 પેન્સનો વધારો

એનએચએસના પ્રિસ્ક્રિપ્શનમાં 30 પેન્સનો વધારો કરાયો છે તેથી હવે એનએચએસના પ્રિસ્ક્રિપ્શન માટે 9.65 પાઉન્ડ ચૂકવવા પડશે. તે ઉપરાંત પ્રિપેમેન્ટ સર્ટિફિકેટ માટે પણ 30.25ના સ્થાને 31.25 પાઉન્ડ ચૂકવવા પડશે. 12 મહિનાના પીપીસી માટે 111.60 પાઉન્ડ ચૂકવવાના રહેશે.

  1. બ્રોડબેન્ડના બિલમાં 14 ટકા સુધીનો વધારો

મોટાભાગની બ્રોડબેન્ડ કંપનીઓએ 14 ટકા સુધીનો વધારો કર્યો છે . વર્જિન મીડિયાના ગ્રાહકોના બિલમાં 17.3 ટકાનો વધારો થયો છે જ્યારે કેટલાક કિસ્સામાં 25 ટકા સુધીનો વધારો ચૂકવવો પડશે.

  1. પોસ્ટલ સ્ટેમ્પ્સમાં 16 ટકા સુધીનો વધારો (ફર્સ્ટક્લાસ સ્ટેમ્પ માટે 15 પેન્સ વધુ ચૂકવવા પડશે)

એપ્રિલથી ટપાલ ટિકિટની કિંમતમાં 16 ટકા સુધીનો વધારો કરાયો છે. 3 એપ્રિલથી ફર્સ્ટક્લાસ સ્ટેમ્પ માટે 1.10 પાઉન્ડ ચૂકવવા પડશે. સેકન્ડ ક્લાસ સ્ટેમ્પના ભાવ 75 પેન્સ કરાયાં છે.

  1. કાર ટેક્સમાં 10.1 ટકાનો વધારો

વાહનચાલકોએ 1 એપ્રિલથી કાર ટેક્સ 10.1 ટકા વધુ ચૂકવવો પડશે. વાહન ક્યારે રજિસ્ટર્ડ કરાયું અને તેન એમિશન કેવા પ્રકારના છે તેના આધારે ટેક્સ વસૂલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter