એપ્રિલથી મોબાઇલ અને બ્રોડબેન્ડના બિલમાં 14 ટકાનો વધારો થવાની સંભાવના

ટેલિકોમ કંપનીઓને ફુગાવાના આધારે ભાવવધારો કરવા સરકારની પરવાનગી

Wednesday 25th January 2023 06:20 EST
 
 

લંડન

એકતરફ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ જનતાને ત્રાહિમામ પોકારાવડાવી રહી છે ત્યારે કરોડો બ્રિટનવાસીઓ પર એપ્રિલ મહિનાથી વધુ એક બોજો આવી રહ્યો છે. એપ્રિલથી મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ ડેટાની કિંમતોમાં 14 ટકાથી વધુનો વધારો થઇ રહ્યો છે. બીટી, ટોકટોક, થ્રી અને વોડાફોનને ગયા વર્ષના ફુગાવાના દરના આધારે કિંમતોમાં વધારો કરવાની પરવાનગી સરકાર દ્વારા આપી દેવાઇ છે. જો કંપનીઓ દ્વારા આ ભાવવધારો સંપુર્ણપણે ગ્રાહકો પર લાદી દેવાશે તો બ્રોડબેન્ડના ગ્રાહકો પર વાર્ષિક 50 પાઉન્ડનો બોજો વધી જશે. મોબાઇલ ફોનના મોંઘા પ્લાનમાં 100 પાઉન્ડ કરતાં વધુનો વધારો થઇ શકે છે.

ટેલિકોમ એક્સપર્ટ અર્નેસ્ટ ડોકુએ જણાવ્યું હતું કે, આગામી વસંતમાં કરોડો મોબાઇલ અને બ્રોડબેન્ડ કસ્ટમર પર બિલ વધારાનો બોજો પડશે. સોશિયલ ટેરિફ્સ સાથે સંકળાયેલા ગ્રાહકનો બિલમાં જ વધારો નહીં થાય. બીટી, ઇઇ, પ્લસનેટ અને વોડાફોનના બ્રોડબેન્ડ બિલમાં ફુગાવાના દર કરતાં 3.9 ટકા વધુનો ભાવવધારો થઇ શકે છે. સ્કાય અને વર્જિન પ્રાઇસ ફોર્મ્યુલામાં ઝાઝો સુધારો નહીં કરે તેવી સંભાવના છે. જોકે કંપનીઓ તમામ બોજો ગ્રાહકો પર ન પણ નાખે તેથી હવે ગ્રાહકોએ એપ્રિલ મહિનાની રાહ જોવી પડશે.

જુલાઇથી વીજળીના બિલ વાર્ષિક 2200 પાઉન્ડ સુધી ઘટે તેવી સંભાવના

ગેસની કિંમતોમાં ઘટાડાને પગલે જુલાઇ મહિનાથી વીજળીના વાર્ષિક બિલ 2200 પાઉન્ડની સપાટી પર આવી જાય તેવી સંભાવના છે. સરકારી સબસિડીઓને કારણે વીજળીના બિલ હાલના વાર્ષિક 4279 પાઉન્ડથી ઘટીને એપ્રિલથી 3208 પાઉન્ડ પર આવી જવાની સંભાવના છે. નવા વર્ષમાં વીજળીના બિલમાં વાર્ષિક સરેરાશ 300 પાઉન્ડનો ઘટાડો થઇ શકે છે. યુરોપમાં ગરમ હવામાનના કારણે ગેસની માગમાં ઘટાડો થયો છે. તાજેતરના સપ્તાહોમાં ગેસની જથ્થાબંધ કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter