લંડન
એપ્રિલ મહિનાથી વીજળીના બિલ 2500 પાઉન્ડથી વધીને 3000 પાઉન્ડ પ્રતિ વર્ષ થવાના છે ત્યારે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો સામનો કરી રહેલા પરિવારોને વધારાની કોઇ મદદ કરવાનો સરકારે ઇનકાર કરી દીધો છે. ગેસ અને વીજળીના તગડા બિલો સામે નબળા પરિવારોને સંરક્ષણ આપવા વધારાની સહાય આપવા સરકાર પર દબાણ વધી રહ્યું છે ત્યારે કન્ઝ્યુમર ફાઇનાન્સ એક્સપર્ટ માર્ટિન લૂઇસે જણાવ્યું હતું કે, વીજળી બિલમાં વધારો કરવાની પરવાનગી દેશને મોટું નુકસાન કરાવશે. એપ્રિલ મહિનાથી સરેરાશ પરિવારના વીજળી બિલ વધીને 3000 પાઉન્ડ પ્રતિ વર્ષ પહોંચવાના છે. આ સ્કીમ એપ્રિલ 2024 સુધી જારી રહેશે. ઓક્ટોબર 2022થી મોટી સંખ્યામાં પરિવારોને વીજળી બિલમાં 400 પાઉન્ડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેનો પણ એપ્રિલના પ્રારંભથી અંત આવી જશે. જોકે મિન્સ ટેસ્ટેડ બેનિફિટ્સ પર નભતા પરિવારો, પેન્શનરો અને વિકલાંગતાના લાભ મેળવતા લોકોને એનર્જી કોસ્ટમાં મદદ માટે વધારાની સહાય જારી રહેશે.
લૂઇસે ચાન્સેલર જેરેમી હન્ટને પત્ર લખીને ચેતવણી આપી છે કે વીજળીના બિલમાં વધારાના કારણે વધુ 17 લાખ લોકો ગરીબીમાં ધકેલાઇ જશે. 84 લાખ લોકોને તેમના ઘરો ગરમ રાખવાનું પોષાશે નહીં. જેરેમી હન્ટે બીબીસીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, સરકાર તમામ પ્રકારની સહાયની સમીક્ષા કરી રહી છે પરંતુ લોકોને મદદ કરવા માટે મોટા પગલાં લેવાની સરકાર પાસે અત્યારે કોઇ સંભાવના નથી.


