લંડનઃ શિફ્ટ પેટર્નના વિરોધમાં હિથ્રો એરપોર્ટનો બોર્ડર સ્ટાફ 8મી એપ્રિલથી હડતાળ પર જવાની સંભાવના છે. પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસિઝ યુનિયને જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન અને પાસપોર્ટ તપાસ સાથે સંકળાયેલા અમારા 600 સભ્યો પૈકીના 90 ટકાએ આ હડતાળને સમર્થન આપ્યું છે. જોકે હજુ આ હડતાળ માટે ચોક્કસ તારીખોનું એલાન કરાયું નથી પરંતુ 8મી એપ્રિલથી હડતાળનો પ્રારંભ થાય તેવી સંભાવના છે. યુનિયને જણાવ્યું હતું કે કર્મચારીઓમાં શિફ્ટ પેટર્નમાં બદલાવની યોજના સામે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. તેના કારણે કર્મચારીઓ પર વિપરિત અસર થઇ શકે છે. નવી યોજનાના કારણે 250 કર્મચારી નોકરી ગુમાવી શકે છે.