લંડનઃ યુકેના મીડિયા વોચડોગે ભારતીય ડાયસ્પોરા કેન્દ્રિત એમએટીવીનું શરતોના ઉલ્લંઘન માટે બ્રોડકાસ્ટ લાયસન્સ રદ કરી દીધું છે. ટેલિવિઝન ચેનલનું પ્રસારણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાના આદેશ અપાયા છે.
ઓફકોમે જારી કરેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓગસ્ટ 2024માં શરૂ કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, મિડલસેક્સ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ખોટી રીતે લાયસન્સ હાંસલ કરાયાં હતાં. એમએટીવી નેશનલ પર હિન્દી, ઉર્દુ, ઇંગ્લિશ, ગુજરાતી અને પંજાબીમાં પ્રસારણ માટે લાયસન્સ સંકળાયેલું હતું જ્યારે બીજું લાયસન્સ એનએટીવી મ્યુઝિક સાથે સંકળાયેલું હતું.
ઓફકોમે જણાવ્યું હતું કે, યુકેની સંસદ દ્વારા ઘડાયેલા બ્રોડકાસ્ટિંગ કાયદા અનુસાર બ્રોડકાસ્ટ લાયસન્સધારક પ્રસારિત થતા પ્રોગ્રામો પર તંત્રીની જાણકારી સહિત લાયસન્સ સર્વિસિઝ પર નિયંત્રણ ધરાવતો હોવો જોઇએ. અમારી તપાસમાં સામે આવ્યું હતું કે, એમએટીવી નેશનલ અને એમએટીવી મ્યુઝિકના લાયસન્સ ધારક કોઇ પ્રકારની એડિટોરિયલ જવાબદારી ધરાવતા નહોતા. તેથી લાયસન્સની શરતો અનુસાર પ્રસારણ કરાતું નહોતું. એમએટીવી બ્રોડકાસ્ટિંગ લિમિટેડ ઓફકોમના લાયસન્સ વિના જ સેવાઓ પૂરી પાડતી હતી.


