લંડનઃ 1.3 બિલિયન પાઉન્ડના કથિત ફ્રોડના કેન્દ્રમાં રહેલા કોલેપ્સ થયેલા મોર્ગેજ લેન્ડર સાથેના બાર્કલેના સંબંધોની તપાસ કરવા સિટી રેગ્યુલેટરને અપીલ કરાઇ છે. માર્કેટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સમાં રોકાણ કરનારાએ એમએફએસની કોર્પોરેટ બેન્ક તરીકેની બાર્કલેની કામગીરીની વિધિવત તપાસની માગ કરી છે. તેમની માગ છે કે બેન્ક તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઇ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે.
ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરેશ દબાસિયાએ ઓથોરિટીને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે એમએફએસના પતન સામે બાર્કલે આંખ મિંચામણા કરી શકે નહીં. ફ્રોડના દાવાઓ પછી હાઇકોર્ટના જજે તપાસના આદેશ આપતાં એમએફએસને એડમિનિસ્ટ્રેશન હેઠળ મૂકાઇ હતી. દબાસિયાએ દાવો કર્યો છે કે એમએફએસની નિષ્ફળતાના કારણે બાર્કલેએ તેમના ખાતા ફ્રીઝ કરી દીધાં હતાં અને તેમને બેન્કિંગ કામગીરીથી અટકાવી દીધાં હતાં. એમએફએસના અન્ય રોકાણકારો સાથે પણ આ પ્રકારનો જ વ્યવહાર કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એમએફએસના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ પરેશ રાજા પર બિઝનેસમાંથી મોટી રકમ ઓળવી જવાનો આરોપ ઇનસોલ્વન્સી પ્રેકટિસનર્સ દ્વારા મૂકાયો છે.


