લંડનઃ રોષે ભરાયેલા હિંદુઓએ વિશ્વની ઓનલાઈન રીટેલર Amazon.comને હિંદુ દેવી-દેવતા, મંદિરો, સંતોની તસવીરો સાથેની ડોરમેટ્સનું વેબસાઈટ પર વેચાણને તદ્દન અયોગ્ય ગણાવીને તાકીદે બંધ કરવા અને ડોરમેટ્સ પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ અને રાજકીય અગ્રણી રાજન ઝેડે ‘એમેઝોન’ અને તેના પ્રમુખ જેફરી પી બેઝોસને શિવ, વિષ્ણુ, ગણેશ, દુર્ગા, હનુમાન સહિત ૬૭ વાંધાજનક તસવીરો ધરાવતી ડોરમેટ્સ પાછી ખેંચવા ઉપરાંત ધાર્મિક લાગણી દુભાવવા બદલ હિંદુઓની માફી માગવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હિંદુઓ જેમની પૂજા કરતા હોય છે તે ભગવાનોના ચહેરાવાળી ડોરમેટ્સ પર લોકો શૂઝ સાફ કરે તેવી કલ્પના કરવી જ આઘાતજનક છે. આવી ડોરમેટ્સનું ૧૪.૪૯ પાઉન્ડથી લઈને ૨૫.૭૪ પાઉન્ડની કિંમતે વેચાણ થાય છે.

