એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેના ત્રણ સીનિયર નેતાના રાજીનામાં

Wednesday 16th June 2021 05:57 EDT
 
 

લંડનઃ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેના ત્રણ સીનિયર અગ્રનેતા અંગત નિર્ણય લઈ સંસ્થાને છોડી રહ્યા છે. એલિધ ડગ્લાસ, શેરોન લોવેલ અને સ્યુ જેક્સે ગત સપ્તાહે સેક્શન બોર્ડને જાણ કરી અનુક્રમે ચેર, વાઈસ ચેર અને HR સબ કમિટીના ચેરના હોદ્દાઓ છોડી દીધા હતા.

તાજેતરમાં યુનાઈટ યુનિયને રેસિઝમના અહેવાલો બહાર આવવાના પગલે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેના તમામ સીનિયર નેતાઓને હોદ્દા છોડવા હાકલ કરી હતી. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેએ જણાવ્યું છે કે પદત્યાગનો નિર્ણય તેમનો અંગત છે. ચેરિટીએ તાજેતરમાં રેસિઝમ અને ભેદભાવના આક્ષેપો મુદ્દે માફી માગી હતી અને જણાવ્યું હતું કે બોર્ડ એન્ટિ-રેસિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરી ડાયરેક્ટર્સની નિમણૂક કરશે.

ચેરિટીના સેક્શન બોર્ડની ચૂંટણીઓ ચાલી રહી છે અને ૧૯ જૂને તેની એન્યુઅલ જનરલ મીટિંગમાં પરિણામો જાહેર કરાશે. સેક્શન બોર્ડ તેની આગામી બેઠકમાં કાયમી ચેર અને વાઈસ ચેરની નિમણૂક કરશે. વર્તમાન વાઈસ ચેર સેન રાજ વચગાળા માટે સેક્શન બોર્ડની સંબંધિત કામગીરી પર નજર રાખશે. 

આ ત્રણ પદાધિકારીના રાજીનામા સાથે એપ્રિલ મહિનાથી ચાર વરિષ્ઠ હોદ્દેદારોએ ચેરિટીને છોડી દીધી છે. ૨૦ કરતાં વધુ વર્ષથી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ રહેલા કેટ એલને પણ સંસ્થામાંથી રાજીનામું આપ્યું છે. યુનિસેફ યુકેના પૂર્વ વડા સાચા દેશમુખને વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ બનાવાયા છે.

ગત ઓક્ટોબરમાં સ્વતંત્ર રિપોર્ટમાં કેટલાક સ્ટાફ દ્વારા રેસિસ્ટ ભાષાના ઉપયોગ તેમજ વંશીય લઘુમતી સાથીઓની ચિંતા તરફ ધ્યાન નહિ અપાતું હોવાના ઉલ્લેખના પગલે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે આંતરિક સંસ્કૃતિમાં સુધારો લાવવાની ખાતરી ઉચ્ચારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter