એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સમાં વધારા મુદ્દે સરકારને હાઉસ ઓફ લોર્ડ્સનો ફટકો

હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્ટર, ચિલ્ડ્રન નર્સરી અને પ્લે ગ્રુપ, સ્મોલ બિઝનેસ, બાળકોનું પરિવહન કરતા એમ્પ્લોયર્સ અને નાની ચેરિટી સંસ્થાઓને આ વધારામાંથી બાકાત રાખતા સુધારાને લોર્ડ્સની મંજૂરી

Tuesday 04th March 2025 09:47 EST
 

લંડનઃ ઓટમ બજેટમાં એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સ યોગદાનમાં વધારો કરવાના સરકારના પ્રયાસને મોટો ફટકો પડ્યો છે. હાઉસ ઓફ લોર્ડ્સે હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્ટર, ચિલ્ડ્રન નર્સરી અને પ્લે ગ્રુપ, 25 કરતાં ઓછા કર્મચારી ધરાવતા સ્મોલ બિઝનેસ, સ્પેશિયલ નીડ્સ અને ડિસએબિલિટી ધરાવતા બાળકોનું પરિવહન કરતા એમ્પ્લોયર્સ અને નાની ચેરિટી સંસ્થાઓને આ વધારામાંથી બાકાત રાખવા લિબરલ ડેમોક્રેટ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને બહુમતીથી પસાર કર્યાં છે.

નેશનલ ઇન્શ્યુરન્સ કન્ટ્રીબ્યુશન્સ બિલમાં રજૂ કરાયેલા સુધારાને હાઉસ ઓફ લોર્ડ્સે 305 વિરુદ્ધ 175 મતથી મંજૂરી આપી હતી. જેના પગલે કેર પ્રોવાઇડર્સ, એનએચએસ જીપી પ્રેકટિસ, એનએચએસ કમિશન્ડ ડેન્ટિસ્ટ, એનએચએસ કમિશન્ડ ફાર્માસિસ્ટ, હેલ્થ એન્ડ કેરના ચેરિટેબલ પ્રોવાઇડર્સ અને હોસ્પાઇસ કેર ઉપલબ્ધ કરાવનારા હાલના દરે જ નેશનલ ઇન્શ્યુરન્સ યોગદાન ચૂકવવાનું રહેશે. આ સુધારો લિબરલ ડેમોક્રેટ બેરોનેસ બાર્કર દ્વારા રજૂ કરાયો હતો.

બેરોનેસ બાર્કરે જણાવ્યું હતું કે, હેલ્થ અને કેર સેક્ટમાં નેશનલ ઇન્શ્યુરન્સમાં કરાયેલા બદલાવનો તાત્કાલિક અમલ મોટી સંખ્યામાં પ્રોવાઇડર્સના અસ્તિત્વ સામે પડકાર બન્યો છે. સરકારે પબ્લિક સેક્ટરમાં કેટલીક છૂટછાટ આપી છે પરંતુ આ છૂટછાટ બધાને લાગુ પડતી નથી.

હાઉસ ઓફ લોર્ડ્સે સરકારને વધુ એક આંચકો આપતાં નેશનલ ઇન્શ્યુરન્સમાં કરાયેલા બદલાવની અસરોની સમીક્ષાનો પણ આદેશ આપ્યો છે. કન્ઝર્વેટિવ ફ્રન્ટ બેન્ચ દ્વારા રજૂ કરાયેલા સુધારાને 182 વિરુદ્ધ 144 મતથી પસાર કરાયો હતો. જે અંતર્ગત સરકારે એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સમાં વધારાની ચોક્કસ સેક્ટરો પર પડનારી અસરોની 6 મહિનામાં સમીક્ષા કરવી પડશે.

આ સેક્ટરોમાં ચેરિટી સંસ્થાઓ, ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી, ડેન્ટિસ્ટ, અર્લી યર પ્રોવાઇડર્સ, ફાર્મ્સ, જીપી, હોસ્પાઇસિઝ, હોસ્પિટાલિટી, ફાર્મસી, રિટેલ, સોશિયલ કેર, સ્મોલ બિઝનેસ અને યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter