લંડનઃ ભારતમાં બાબરી મસ્જિદ વિધ્વંસ પછી ગુજરાતના સુરતમાં ૧૯૯૩માં થયેલા વિસ્ફોટના આરોપી ટાઇગર હનીફના બ્રિટનથી ભારતમાં પ્રત્યાર્પણનો નિર્ણય નવા હોમ સેક્રેટરી એમ્બર રડ લેશે. ભારતીય પ્રત્યાર્પણ વોરન્ટને પગલે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ૫૫ વર્ષીય સાથી હનીફની ફેબ્રુઆરી, ૨૦૧૦માં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા ધરપકડ કરાઈ હતી.
૧૯૯૬માં જામીન મળતા જ ભાગી ગયેલા હનીફે બ્રિટનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તે મુસ્લિમ હોવાથી હિંદુ બહુમતીવાળા ગુજરાતમાં તેના પર અત્યાચાર ગુજારાય છે. આ દાવાને પગલે તેને બ્રિટનમાં રહેવાની પરવાનગી મળી હતી. તેણે ૨૦૦૫માં બ્રિટિશ પાસપોર્ટ મેળવ્યો હતો.
તેણે ૨૦૧૦માં ધરપકડ થયા પછી યુકે હાઇ કોર્ટમાં દાખલ કરેલી અપીલ એપ્રિલ, ૨૦૧૩માં ફગાવી દેવાઈ હતી. બ્રિટિશ અખબારના જણાવ્યા અનુસાર હનીફનો કેસ લડવા માટે વકીલોને બે લાખ પાઉન્ડની સહાય મળી હતી. અપીલ ફગાવી દેવાયા પછી આ કેસ હોમ સેક્રેટરી અને વડાપ્રધાનને સોંપાયો છે.
સુરતમાં પ્રથમ વિસ્ફોટ જાન્યુઆરી, ૧૯૯૩માં થયો હતો જેમાં આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું. બીજો વિસ્ફોટ એપ્રિલ, ૧૯૯૩માં સુરત રેલવે સ્ટેશને કરાયો હતો. જો હોમ સેક્રેટરી પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કરશે તો હનીફ યુરોપિયન હ્યુમન રાઈટ્સ કોર્ટમાં અપીલ કરી શકે છે.


