એમ્બ્યુલન્સ સેવાઓમાં વિલંબના કારણે દર સપ્તાહે 230 હાર્ટ એટેકના દર્દીનાં મોત

કોરોના મહામારીના પ્રારંભથી અત્યાર સુધીમાં હૃદયરોગના કારણે 30,000 વધુ મોત નોંધાયા

Wednesday 09th November 2022 06:06 EST
 
 

લંડન

 એનએચએસની એમ્બ્યુલન્સ સેવાઓમાં થતા વિલંબને કારણે દર સપ્તાહે 230 હૃદયરોગના દર્દીઓના મોત થઇ રહ્યાં છે જે સમયસર સેવા આપીને નિવારી શકાયાં હોત. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર કોરોના મહામારીના પ્રારંભથી અત્યાર સુધીમાં એકલા ઇંગ્લેન્ડમાં જ હૃદયરોગના કારણે સામાન્ય સંજોગો કરતાં 30,000 વધુ મોત નોંધાયાં છે. જેનો સીધો સંબંધ ધરાશાયી થયેલી એમ્બ્યુલન્સ સેવાઓ સાથે છે. દર્દીઓને એમ્બ્યુલન્સની સેવાઓ તાકિદે ઉપલબ્ધ થઇ રહી નથી.

એનએચએસનો ડેટા બતાવે છે કે હાર્ટ એટેક અને સ્ટ્રોકના દર્દીઓને 999 પર કોલ કર્યા પછી એમ્બ્યુલન્સ માટે 48 મિનિટ રાહ જોવી પડે છે. સામાન્ય રીતે આ સમયગાળો 18 મિનિટનો છે. બીએચએફના જણાવ્યા અનુસાર કોરોના મહામારી બાદ દર સપ્તાહે હૃદયરોગના દર્દીઓના સામાન્ય કરતાં 230 મોત વધુ થઇ રહ્યાં છે. ઇમર્જન્સીમાં સારવાર માટે પણ જીપીની એપોઇન્ટમેન્ટ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. સ્પેશિયાલિસ્ટ ટ્રીટમેન્ટની એપોઇન્ટમેન્ટ માટે મહિનાઓ રાહ જોવી પડે છે.

એનએચએસના બેકલોગના કારણે 3,50,000 દર્દીઓ સારવાર માટે રાહ જોઇ રહ્યાં છે. હૃદયરોગના નિદાન અને સારવારમાં અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન એનએચએસથી દૂર રહેલા લાખો હૃદયરોગના દર્દીઓ હોઇ શકે છે. તેઓ પોતાના હાઇ બ્લડપ્રેશર અને સ્ટ્રોકના જોખમથી અજાણ છે. જેના કારણે આગામી 3 વર્ષમાં 11,190 હાર્ટ એટેક અને 16,702 સ્ટ્રોકનો ભોગ બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter