લંડન
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા 26 માર્ચ 2023થી લંડનના ગેટવિક એરપોર્ટ ખાતેથી ભારત માટેની નવી ચાર ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે. આ ફ્લાઇટ લંડનના ગેટવિક એરપોર્ટથી અમદાવાદ, ગોવા, અમૃતસર અને કોચી જશે. આ નવી ફ્લાઇટોના કારણે ભારત જતા પ્રવાસીઓને વધુ સુગમતા પ્રાપ્ત થશે અને સીધા તેમના શહેરો સુધી લઇ જશે. તેથી દિલ્હી કે મુંબઇ ખાતે લે ઓવરની ઝંઝટમાંથી છૂટકારો મળશે.
એર ઇન્ડિયા દ્વારા લંડનથી ભારતના ઉપરોકત 4 શહેરો માટે 12 ફ્લાઇટ ઓપરેટ કરાશે. સપ્તાહમાં એકવાર ગોવા માટેની લંડનથી સીધી ફ્લાઇટ ઉપલબ્ધ બનશે જ્યારે અમદાવાદ માટે નવી 3 ફ્લાઇટ સપ્તાહમાં ઉડાન ભરશે. અમૃતસર માટે પણ 3 સીધી ફ્લાઇટ સપ્તાહમાં લંડનના ગેટવિકથી ઉડાન ભરશે જ્યારે કેરળના કોચી માટે પણ સપ્તાહમાં 3 ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયા દ્વારા આ નવી ફ્લાઇટો માટે બુકિંગ શરૂ કરી દેવાયું છે.
વિન્સી એરપોર્ટ્સ નવી એર કનેક્ટિવિટી સાથે બિઝનેસ વધારવા અને સમુદાયોને સેવા આપવા પ્રતિબદ્ધ છે. ગેટવિક એરપોર્ટના સીઇઓ સ્ટુઅર્ટ વિનગેટે જણાવ્યું હતું કે, લંડનના ગેટવિક એરપોર્ટ ખાતેથી એર ઇન્ડિયાની નવી ફ્લાઇટો લંડનના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. આ ફ્લાઇટો અમારા સ્થાનિક અને ભારતીય સમુદાયો માટે અત્યંત મહત્વની પૂરવાર થશે.


