એર ઇન્ડિયા ક્રેશ: સ્વતંત્ર તપાસની માગ

હરેશ પટેલ સહિત 30 પીડિત બ્રિટિશ ભારતીય પરિવારોએ પાયલોટની ભૂલની થિયરી નકારી

Tuesday 14th April 2026 14:25 EDT
 
 

લંડન: જૂન 2025માં થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનામાં પોતાના માતા-પિતા ગુમાવનાર કેન્ટ સ્થિત ગુજરાતી ઉદ્યોગપતિ હરેશ પટેલ અને અન્ય ૩૦ જેટલા પીડિત પરિવારોએ તપાસ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારોએ બ્રિટનની એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) ને પત્ર લખીને આ મામલે સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી છે. પીડિત પરિવારોનું માનવું છે કે જો બ્રિટનની AAIB આ તપાસમાં સક્રિય રીતે જોડાય તો જ તેમને ન્યાય મળશે. હરેશ પટેલે જણાવ્યું કે, હું છેલ્લા 25 વર્ષથી આ દેશમાં રહું છું અને મને બ્રિટિશ તપાસ એજન્સી પર પૂરો ભરોસો છે. જો વધુ સ્વતંત્ર સત્તામંડળો જોડાશે તો જ સત્ય બહાર આવશે.

અમદાવાદથી લંડન આવી રહેલા એરઇન્ડિયાના આ વિમાનમાં હરેશ પટેલના ૬૯ વર્ષીય માતા બાબિબેન પટેલ અને ૭૨ વર્ષીય પિતા કુબેરભાઈ પટેલ મુસાફરી કરી રહ્યા હતા.ભારતીય તપાસકર્તાઓ દ્વારા પાયલોટની ભૂલ અથવા આત્મઘાતી પગલાની જે થિયરી રજૂ કરવામાં આવી રહી છે, તેને હરેશ પટેલે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, હું આ વાત માની શકતો નથી. કોઈ પાયલોટ કેવી રીતે આટલા લોકોના જીવ જોખમમાં મૂકી શકે? આ ટેકનિકલ ખામી હોઈ શકે છે. અમને સત્ય જાણવાનો અધિકાર છે.

ભારતીય તપાસ બ્યુરો (AAIB India) ના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું હતું કે ટેક-ઓફના તુરંત બાદ બોઈંગ 787 ના ફ્યુઅલ સ્વીચ 'કટ-ઓફ' પોઝિશનમાં આવી ગયા હતા. જોકે, પીડિત પરિવારો અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સએ જણાવ્યું હતું કે, ફ્યુઅલ કટ થાય તે પહેલાં પ્લેનનું ઈમરજન્સી બેકઅપ જનરેટર (RAT) સક્રિય થઈ ગયું હતું, જે સિસ્ટમ ફેલિયર સૂચવે છે. તે ઉપરાંત પ્લેન ક્રેશ પહેલાના ફૂટેજ અને ઘટનાક્રમ પાયલોટની ભૂલના દાવા પર શંકા પેદા કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter