લંડનઃ એર ઇન્ડિયા ક્રેશના મૃતકોના પરિવારજનોએ અમેરિકામાં વિમાન નિર્માતા કંપની બોઇંગ અને વિમાનના પાર્ટ્સ બનાવતી કંપની હનીવેલ સામે કાનૂની ખટલો દાખલ કર્યો છે. આ ખટલો ફક્ત નાણાકીય વળતર માટે નહીં પરંતુ કંપનીઓને તેમની જવાબદારીનું ભાન થાય અને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે દાખલ કરાયો છે.
પરિવારોના દાવા અનુસાર વિમાનના ઇંધણ સ્વીચોમાં ખામી રહેલી હતી. પ્રારંભિક તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, સ્વીચ ‘રન’થી ‘કટ-ઓફ’ સ્થિતિમાં ખસી જતાં એન્જિનને જરૂરી ઇંધણ મળ્યું નહીં. પરિણામે વિમાનને મળતો થ્રસ્ટ બંધ થઈ ગયો અને વિમાન ધરાશાયી થઈ ગયું. આમ વિમાનની ડિઝાઇનમાં રહેલી ખામીને લીધે આ ઘાતક દુર્ઘટના સર્જાઈ હતી.
2018માં અમેરિકાની FAA(ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન)એ ઓપરેટરોને ઇંધણ સ્વીચના લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી હતી. પરંતુ, આ સલાહને ફરજિયાત બનાવવામાં આવી નહોતી. તેથી મૃતકોના પરિવારો આક્ષેપ કરે છે કે બોઇંગ અને હનીવેલે જોખમ જાણ્યા છતાં જરૂરી ફેરફાર કર્યા નહીં. એવું કહેવામાં આવે છે કે કંપનીઓએ ન તો એરલાઇન્સને પુરતી ચેતવણી આપી હતી, ન તો વિકલ્પ રૂપે નવા પાર્ટ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા.
કોર્ટ કેસ કરનાર પરિવારોનું કહેવું છે કે, બોઇંગ અને હનીવેલે વ્યવસાયિક લાભને પ્રાથમિકતા આપીને મુસાફરોની સલામતી સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. સલામતીના મુદ્દે ગંભીર પગલાં ભરવાના બદલે તેમણે માત્ર એક આછીપાતળી સલાહ આપી દીધી હતી. તેમની આવી કોર્પોરેટ બેદરકારી હવે કાનૂની પડકાર રૂપે તેમના સામે ઊભી થઈ છે.

