લંડનઃ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાની દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર પ્રવાસી લેસ્ટરના વિશ્વાસ કુમાર રમેશ હજુ પણ સારવાર હેઠળ છે. પીડિતોના પરિવારો દુર્ઘટનાના 3 મહિના પછી તેમને હાંસિયામાં ધકેલી દેવાયાં હોવાનું અનુભવી રહ્યાં છે.
વિશ્વાસ કુમાર રમેશના પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ હજુ ભારતમાં સારવાર હેઠળ છે અને પોતાના ભાઇને ગુમાવ્યાનો શોક વ્યક્ત કરી રહ્યાં છે. મારા દીકરાની શાળા શરૂ થતી હોવાથી હું યુકે પરત આવી છું પરંતુ અન્ય પરિવારજનો હજુ ભારતમાં જ છે. અમે નથી જાણતા કે મારા પતિ ક્યારે યુકે પરત આવી શકશે.
એર ઇન્ડિયા દ્વારા મોટાભાગના પીડિત પરિવારોને 21,500 પાઉન્ડનું વળતર ચૂકવાયું છે પરંતુ રમેશની પત્ની જાણતા નથી કે તેમના પતિને હજુ સુધી એર ઇન્ડિયા દ્વારા કોઇ વળતર ચૂકવાયું છે કે કેમ. રમેશ તેમને થયેલી શારીરિક ઇજાઓ અને માનસિક તણાવ માટે વળતરનો દાવો કરે તેવી સંભાવના છે.