લંડનઃ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં થઇ રહેલા વિલંબ અને ગેરરિતીઓ અંગે પગલા લેવા પીડિત પરિવારોએ 10 ડાઉનિંગ સ્ટ્રીટને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવા અરજ કરી છે. દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારો વતી લખેલા ખુલ્લા પત્રમાં મિતેન પટેલે વડાપ્રધાન એન્ડી બર્નહામને સત્ય નિષ્ઠાની પરંપરા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. મિતેન પટેલે જણાવ્યું હતું કે, વિતેલા 15 મહિનાથી અમે માત્ર તંત્રની મૌન દિવાલનો સામનો કરી રહ્યા છીએ. પીડિત પરિવારો માટે માહિતીનો અભાવ તેમના દુઃખમાં વધારો કરી રહ્યો છે. પત્રમાં હું આપને વિનંતી કરું છું કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ના પીડિતો અને તેમના પરિવારો માટે પણ આપ સત્ય અને જવાબદેહીની ભાવના સાથે આગળ આવો.
તપાસ રિપોર્ટની સમીક્ષા સમિતિમાં પ્રતિનિધિત્વ આપવા ભારતના પાયલટ ફેડરેશનની માગ
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સે ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુને પત્ર લખીને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અંતિમ તપાસ રિપોર્ટને આખરી ઓપ આપતા પહેલા સ્વતંત્ર સમિતિ દ્વારા પરીક્ષણ કરાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે અથવા વિચારણા ચાલી રહી છે. જો અમદાવાદ વિમાન દુર્ઘટનાના અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટની સમીક્ષા માટે કોઈ સ્વતંત્ર સિસ્ટમ બનાવવામાં આવી રહી હોય, તો તેમાં અમને સત્તાવાર રીતે પ્રતિનિધિત્વ આપવું જોઈએ.


