લંડનઃ અમદાવાદમાં એર ઇન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઇટમાં સ્વજનો ગુમાવનાર બ્રિટિશ પરિવારો હજુ વણઓળખાયેલા અને અન્યોને સોંપી દેવાયેલા અવશેષોના ડીએનએ રિપોર્ટની રાહ જોઇ રહ્યાં છે. ભારત અને યુકેની સરકારો પણ આ મુદ્દા પર વાતચીત કરી રહી છે.
પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલી લંડન સ્થિત કાયદા કંપની કીસ્ટોન લોએ જણાવ્યું છે કે મૃતદેહો અને તેમના અવશેષોની ઓળખના મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવાની જરૂર છે.
બ્રિટન મોકલાયેલા 12 કોફિનમાં ખોટા લેબલ મરાયા હતા અને બે કોફિનમાં ભળતા જ અવશેષો હોવાના મીડિયા અહેવાલો બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. કાયદા કંપનીએ દાવો કર્યો છે કે અવશેષોના 40 સેટમા ખોટા લેબલ મરાયાં હતાં અને ખોટી ઓળખ અપાઇ હતી.
ગયા સપ્તાહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત દરમિયાન પણ વડાપ્રધાન સ્ટાર્મરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. કાયદા કંપનીના હિલી પ્રેટે જણાવ્યું છે કે મીડિયામાં સમસ્યા સામે આવ્યા બાદ હાલ ભારત અને યુકે વચ્ચે ઉચ્ચસ્તરીય વાટાઘાટો ચાલી રહી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે બ્રિટિશ મૃતકોના કેટલાક અવશેષ ભારતમાં ઓળખી કઢાયાં છે. જોકે હજુ તેને સત્તાવાર સમર્થનની રાહ જોવાઇ રહી છે.