એર ઇન્ડિયા ક્રેશઃ પીડિત પરિવારોને કેસ નહીં કરવા નાણાની ઓફર

પીડિત પરિવારજનોને ભવિષ્યમાં કોઇ કેસ નહીં કરવા એર ઇન્ડિયાએ રૂપિયા 10થી 20 લાખનો પ્રસ્તાવ આપ્યો હોવાનો અખબારી અહેવાલમાં દાવો

Tuesday 17th February 2026 10:44 EST
 
 

લંડનઃ ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ લંડનની ઉડાન ભરનાર એર ઇન્ડિયાનું વિમાન થોડી મિનિટોમાં જ ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાએ હવે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારજનોને વધારાનું વળતર આપી એરલાઇન્સ સામે કેસ નહીં કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

અખબાર ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ અનુસાર એર ઇન્ડિયા પીડિત પરિવારોને સમાધાન માટે રૂપિયા 10 લાખની ઓફર આપી રહી છે. કેટલાક કિસ્સામાં રૂપિયા 20 લાખની ઓફર અપાઇ છે. એર ઇન્ડિયાએ પીડિત પરિવારજનો સમક્ષ શરત મૂકી છે કે તેઓ ભવિષ્યમાં આ દુર્ઘટનાના સંદર્ભમાં કોઇ દાવો નહીં કરે અને તમામ કાયદાકીય જવાબદારીઓમાંથી એરલાઇન્સને મુક્ત કરી દેશે. તેઓ કોઇપણ દેશ અથવા અદાલતમાં એરલાઇન્સ સામે દાવો માંડશે નહીં.

બીજીતરફ 130 મૃતક પ્રવાસીઓના પરિવારોની લીગલ ટીમે એર ઇન્ડિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. લીગલ ટીમે જણાવ્યું હતું કે, હજુ દુર્ઘટનાની તપાસ પૂરી થઇ નથી તેથી કેસના અધિકાર છોડી દેવા પરિવારજનોને અપાયેલો પ્રસ્તાવ યોગ્ય નથી.

આ મામલામાં એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે એર ઇન્ડિયા એક મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલા તમામ પીડિત પરિવારને મદદ કરવા પ્રતિબદ્ધ છે. પ્રારંભિક વચગાળાનું વળતર ચૂકવ્યા બાદ અમે નક્કી કર્યું છે કે દરેક પરિવારને ચૂકવાનારું અંતિમ વળતર યોગ્ય અને કાયદા પ્રમાણે યોગ્ય હોય.

ભારતની સુપ્રીમ કોર્ટ કોર્ટ ઓફ ઇન્કવાયરીની વિચારણા કરશે

ભારતની સુપ્રીમ કોર્ટે 11 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારને વિમાન દુર્ઘટનાની તપાસના પ્રોસિજરલ પ્રોટોકોલનો રિપોર્ટ આપવા આદેશ આપ્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (એએઆઇબી)ની તપાસ અંતિમ તબક્કામાં છે. એનજીઓ સેફ્ટી મેટર્સ વતી સુનાવણીમાં પ્રશાંત ભુષણે જણાવ્યું હતું કે, ગંભીર અકસ્માતમાં કોર્ટ ઓફ ઇન્કવાયરીની જરૂર હોય છે. જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની બેન્ચે જણાવ્યું હતું કે, અમે એએઆઇબીની તપાસના તારણોના આધારે નિર્ણય લઇશું કે કોર્ટ ઓફ ઇન્કવાયરીની જરૂર પડશે કે કેમ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter