લંડનઃ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા એવિએશન લોયરે આરોપ મૂક્યો છે કે ક્રેશમાં માર્યા ગયેલા પીડિતોના શરીરના અવશેષો બ્રિટન મોકલાયાં તે પહેલાં તેમની ખોટી રીતે ઓળખ કરાઇ હતી. એક મૃતકના પરિવારજનોએ કોફિનમાં અજાણ્યા પ્રવાસીનો મૃતદેહ હોવાની જાણ કરાયા બાદ અંતિમક્રિયા મોકુફ રાખી દીધી હતી.
ડેઇલી મેલના અખબારી અહેવાલમાં આરોપ મૂકાયો છે કે એક વધુ કેસમાં કોફિન બોક્સમાં એક કરતાં વધુ મૃતદેહના અવશેષો મૂકી દેવાયાં હતાં અને અંતિમવિધિ પહેલાં તેમને અલગ કરવાની ફરજ પડી હતી. લંડન ઇનર વેસ્ટના સીનિયર કોરોનર ડો. ફિયોના વિલકોક્સે બ્રિટન પરત આવેલા બ્રિટિશ નાગરિકોના મૃતદેહોની ઓળખ માટે પરિવારજનોના ડીએનએસ મેચ કરવાની માગ કરી હતી અને ટેસ્ટ દરમિયાન આ ભૂલો સામે આવી હતી.
બ્રિટિશ પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા એવિએશન લોયર જેમ્સ હીલી પ્રેટે જણાવ્યું હતું કે, કેટલાક મૃતકોના અંતિમ સંસ્કાર ભારતમાં જ કરી દેવાયાં હતાં જ્યારે 12 મૃતકોના મૃતદેહ બ્રિટન પરત લવાયાં હતાં. હું ઇચ્છું છું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન સ્ટાર્મર તેમની સમક્ષ આ મુદ્દો ઉઠાવે. પીડિત પરિવારોના સવાલોના જવાબ તાકિદે અપાય તે જરૂરી છે. હું મૃતદેહોની ઓળખ કેવી રીતે કરાઇ તે પ્રક્રિયાની તપાસ કરી રહ્યો છું.
તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લા એક મહિનાથી પીડિત બ્રિટિશ પરિવારોની મુલાકાત કરી રહ્યો છું. તેમની સૌથી પહેલી ઇચ્છા એ હતી કે તેમના પરિવારજનોના મૃતદેહ તેમને પરત મળે. પરંતુ તેમાંના કેટલાકને ખોટા મૃતદેહો આપી દેવાયાં છે અને તેથી તેઓ ઘણા વિચલિત છે. છેલ્લા કેટલાંક સપ્તાહોથી આ ચર્ચા ચાલી રહી છે અને તેમને તેમના સવાલોના જવાબ મળવા જ જોઇએ. જે પરિવારને એક કરતાં વધુ મૃતકના અવશેષો મળ્યાં હતાં તેમણે અવશેષોને અલગ કરીને અંતિમવિધિ કરી હતી જ્યારે બીજો એક પરિવાર હજુ દ્વિધામાં છે. આ પરિવાર તેની અંતિમવિધિ કરી શક્તો નથી કારણ કે કોફિનમાં અન્ય કોઇ વ્યક્તિનો મૃતદેહ છે. જો તે તેમનું પરિવારજન નથી તો સવાલ એ છે કે તે મૃતદેહ કોનો છે. બની શકે કે તે અન્ય કોઇ પ્રવાસીનો મૃતદેહ હોય અને તેના સંબંધીઓને ખોટો મૃતદેહ આપી દેવાયો હોય.
તેમણે જણાવ્યું હતું કે, કોરોનરે પણ સવાલ ઉઠાવ્યો છે કારણ કે તેમના જ્યુરિડિક્શનમાં એક અજાણી વ્યક્તિ છે. પીડિત પરિવારો તેમના સાંસદો, ફોરેન ઓફિસ અને વડાપ્રધાન તથા ફોરેન સેક્રેટરીની ઓફિસોના સંપર્કમાં છે. પુરાવા છે કે જે રીતે મૃતદેહ અને અવશેષો સોંપાયા તેની પ્રક્રિયા અસ્વીકાર્ય રીતે નબળી રહી હતી. અમે આ નિષ્ફળતાના કારણોની તપાસ કરી રહ્યાં છીએ અને પીડિત બ્રિટિશ પરિવારો વતી જવાબોની માગ કરીએ છીએ.