એર ઇન્ડિયા ક્રેશઃ પ્રાથમિક અહેવાલ મુદ્દે પીડિત પરિવારોમાં સવાલો

અમારી શંકાઓના જવાબ મળવાને બદલે વધુ સવાલો ઉઠ્યાં છે, ભારત સરકાર એર ઇન્ડિયા અને બોઇંગને બચાવી રહી છેઃ પીડિત પરિવારજનો

Tuesday 15th July 2025 15:32 EDT
 
 

લંડનઃ એર ઇન્ડિયા ક્રેશની તપાસના પ્રાથમિક અહેવાલના તારણોએ પીડિત પરિવારોને મૂંઝવણમાં નાખી દીધાં છે. તેમણે તપાસમાં પારદર્શકતાની માગ કરી છે. તપાસ અહેવાલે સવાલોના જવાબ ઇચ્છતા પરિવારોને તરછોડી દીધાં હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે. અહેવાલમાં જારી કરાયેલી વિગતોમાંથી ઘણા પીડિત પરિવારોના મનમાં રહેલા સવાલોના જવાબ હજુ મળી શક્યાં નથી. એર ઇન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલાના પરિવારજનો અને સગાંએ ભારત સરકાર દ્વારા જારી કરાયેલા પ્રાથમિક તપાસ રિપોર્ટની ટીકા કરતાં જણાવ્યું હતું કે, ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા અને બોઇંગને બચાવવા ભારત સરકાર કવર-અપ કરી રહી છે.

ક્રેશમાં માર્યા ગયેલા કિનલ મિસ્ત્રીના પારિવારિક મિત્ર ભાવલ શાહે જણાવ્યું હતું કે, જો ફ્યુઅલ કટ ઓફ સ્વીચ સહેલાઇથી બંધ કરી શકાતી ન હોય અને જો કોઇ સોફ્ટવેરની ખામી નહોતી તો શું જાણીજોઇને કરાયું હતું? આ તો કોઇ ભાંગફોડ અથવા તો આત્મહત્યા પ્રતીત થઇ રહી છે. પરિવારના 3 સભ્યોને ગુમાવનાર દિપ્તી સાહનીએ તમામ માહિતી પબ્લિક ડોમેઇનમાં મૂકવાની માગ કરી હતી. સાહનીએ જણાવ્યું હતું કે, મુક્ત ન્યાયી અને પારદર્શક તપાસ થવી જોઇએ. આ કરૂણાંતિકામાં એર ઇન્ડિયા અને બોઇંગ જેવી કંપનીઓ સામેલ છે. તેઓ તેમનો બચાવ કરવા ઇચ્છે છે પરંતુ પરિવારો સમક્ષ સત્ય જાહેર થવું જ જોઇએ. ક્રેશમાં સૈયદ જાવેદ અલી, તેમની પત્ની અને બે બાળકોના મોત થયાં હતાં. જાવેદના અંકલ રફિક મેમણે જણાવ્યું હતું કે, વિમાન ક્રેશ કેમ થયું તે અંગે યોગ્ય તપાસ થવી જ જોઇએ.

ક્રેશમાં ભાઇ, ભાભી અને તેમના બે સંતાનને ગુમાવનાર અમદાવાદ સ્થિત 59 વર્ષીય બદાસાબ સૈયદે જણાવ્યું હતું કે, એરપ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ અહેવાલ જારી થયા બાદ અમારી શંકાઓના જવાબ મળવાને બદલે મારા મનમાં વધુ સવાલો ઉઠ્યાં છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાયલટ એન્જિનને ઇંધણ મળતું બંધ થઇ ગયું તે અંગે વાત કરી રહ્યાં છે. અમે કન્ટ્રોલ સ્વિચ અંગે કશું જાણતા નથી. શું આ દુર્ઘટના અટકાવી શકાઇ હોત? બડાસાબનો ભાઇ ઇનાયત સૈયદ પરિવાર સાથે લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો. 25 વર્ષીય દીકરાને ગુમાવનાર રફિક દાઉદ કહે છે કે અમે ફ્યુઅલ સ્વિચ અથવા અન્ય ટેકનિકલ જાણકારી ધરાવતા નથી. અમે તો ફક્ત અમારો દીકરો ગુમાવ્યો છે. ફૈઝાન રફિક ઇદ મનાવવા ભારત ગયો હતો.

ગ્લુસેસ્ટરશાયરના અકીલ નાનાબાવા, પત્ની હાન્ના વોરાજી અને દીકરી સારાનું આ દુર્ઘટનામાં મોત થયું હતું. તેમના બ્રધર ઇન લો અમીન સિદ્દિકીએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટ ખોટો છે. અમે તેને સ્વીકારતા નથી. તેઓ માર્યા ગયેલા પાયલટોને દોષી ગણાવી રહ્યાં છે કારણ કે તેઓ તેમનો બચાવ કરવા આવી શકવાના નથી. અમે એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ વળતર પણ સ્વીકાર્યું નથી અને અમે અમારા પરિવારજનોની હત્યા માટે એરલાઇનને કોર્ટમાં ઘસડી જવાના છીએ.

વલ્લભ નાગજી અઘેડા અને વીણાબેન વલ્લભ અઘેડાના પરિવારજન તુષાર જોગેએ જણાવ્યું હતું કે, અમને શંકા હતી જ કે તેઓ બંને પાયલટ પર દોષનો ટોપલો ઢોળી દેશે. તેઓ મિકેનિકલ ફોલ્ટની તપાસ કેમ કરી રહ્યાં નથી. ઇન્ડિયન એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોમાં કેટલા લોકો લાયકાત ધરાવે છે. 2018માં અમેરિકાએ એડવાઇઝરી જાહેર કરી હતી. તેમણે તે ફરજિયાત કેમ નહોતું કર્યું. મોટાભાગના પીડિત પરિવાર માને છે કે વિમાનમાં જ કોઇ સમસ્યા હતી. અમે ઇચ્છીએ છીએ કે સત્ય બહાર આવે.

લંડન સ્થિત મૃતક જાવેદના ભાઇ ઇમ્તિયાઝ અલી સૈયદે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા, બોઇંગ અને સરકાર કંઇક છુપાવી રહ્યાં છે. અમે આખો પરિવાર ગુમાવી ચૂક્યાં છીએ. અમે સત્ય જાણ્યા વગર કેમ રહી શકીએ.

લેસ્ટરના મૃતક ફૈઝાન રફિકના પિતરાઇ સમીર રફિકે જણાવ્યું હતું કે, અમને ભારત સરકાર પર વિશ્વાસ નથી. એરલાઇન જ્યાં સુધી કોકપિટ રેકોર્ડિંગ જાહેર નહીં કરે ત્યાં સુધી અમે આ રિપોર્ટ માનવાના નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter