એર ઇન્ડિયા ક્રેશઃ ભારતીય એજન્સીના તારણો યુએસ લીગલ ફર્મે ફગાવ્યા

130 પીડિત પરિવારનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકી કાયદા કંપનીએ યુએસ અને યુકેની એવિએશન એજન્સીઓને સિમ્યુલેશન ટેસ્ટનો રિપોર્ટ સોંપ્યો

Tuesday 30th June 2026 11:15 EDT
 
 

લંડનઃ ગયા વર્ષે અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રવાસીઓના આશરે 130 પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકા સ્થિત કાયદા કંપનીએ યુએસ અને યુકેની એવિએશન એજન્સીઓને ફ્લાઇટ સિમ્યુલેશન ટેસ્ટનો ડેટા સોંપ્યો છે. આ ડેટા ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલમાં રેમ એર ટર્બાઇન (RAT) ડિપ્લોયમેન્ટ અંગે રજૂ કરાયેલા તારણો સાથે મેળ ખાતો નથી.

ભારતીય એજન્સીના પ્રારંભિક અહેવાલ મુજબ ફ્લાઇટમાં ઇંધણ પ્રણાલી ખોરવાયાના 4-5 સેકન્ડ પછી RAT દ્વારા હાઇડ્રોલિક પાવર જનરેટ કરવામાં આવ્યો હતો. જોકે બીઝલી એલન લો ફર્મના જણાવ્યા અનુસાર, સિમ્યુલેશન ટેસ્ટ દર્શાવે છે કે બોઇંગ 787 પર RAT ઇંધણ પ્રણાલી ખોરવાયાના આશરે 18 સેકન્ડ પછી જ સક્રિય થાય છે.

યુએસ અને યુકેના સત્તાધિકારીઓને લખેલા પત્રમાં બીઝલી એલનના મુખ્ય એટર્ની ડી. માઇકલ એન્ડ્રુઝે જણાવ્યું હતું કે, આનો અર્થ એ થાય છે કે ફ્લાઇટમાં ફ્યુઅલ કટઓફ પહેલાં જ RAT સક્રિય થઈ ગયું હતું જે નાનો મોટો વિરોધાભાસ નથી પરંતુ એક ગંભીર ટેકનિકલ ખામી છે. આ બાબત સંકેત આપે છે કે RAT પાઇલટ દ્વારા ઇંધણ પ્રણાલીમાં કરાયેલા કથિત ફેરફારોને કારણે સક્રિય થયું નહોતું.

જીઇ એરોસ્પેસ દ્વારા દુર્ઘટનાગ્રસ્ત વિમાનના એન્જિનનો રિપોર્ટ ભારતીય એજન્સીને સોંપાયો

જીઇ એરોસ્પેસ દ્વારા દુર્ઘટનાગ્રસ્ત વિમાનના એન્જિનનો રિપોર્ટ ભારતીય એજન્સીને સોંપી દેવાયો છે. તપાસ માટે વિમાનના એન્જિનોને અમેરિકા મોકલાયાં હતાં અને હવે તેનો રિપોર્ટ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને સોંપી દેવાયો છે. હવે સૌની નજર બ્યુરો પર છે કે તે દુર્ઘટનાના સાચા કારણો રજૂ કરી શકે છે કે કેમ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter