લંડનઃ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારોનો આરોપ છે કે તેમના સ્વજનોના મૃતદેહોમાં અદલાબદલી કેવી રીતે થઇ તે અંગેના સવાલોના જવાબ હજુ અમને મળ્યાં નથી. દુર્ઘટનામાં માર્યા ગયેલા અશોક પટેલ અને શોભના પટેલના પુત્ર મિતેન પટેલે આરોપ મૂક્યો છે કે તેમની માતાના કોફિનમાં અન્ય મૃતદેહના અવશેષ હતા. યુકેના કોરોનરે પણ તેની પુષ્ટિ કરી હતી તેમ છતાં હજુ ભારતીય સત્તાવાળાઓએ આ ગંભીર ક્ષતિ માટે માફી માગી નથી. મિતેન પટેલે જણાવ્યું હતું કે, હું ઇચ્છું છે કે ભારતીય સત્તાવાળાઓ એમ કહે કે હા અમારી ભૂલ થઇ હતી અને અમે માફી માગીએ છીએ.
જુલાઇ મહિનામાં આ મામલે ભારતીય સત્તાવાળાઓનો સંપર્ક કરાયો હતો ત્યારે તેમણે એમ જણાવ્યું હતું કે, સંપુર્ણ પ્રોફેશનલ રીતે અને મર્યાદા જળવાય તે રીતે મૃતદેહો સોંપાયા હતા. પીડિતોના મૃતદેહોની ચકાસણી સ્થાપિત પ્રોટોકોલ સાથે કરાઇ હતી.
મિતેન પટેલ કહે છે કે જો ભારતીય સત્તાવાળાઓના દાવા સાચા હોય તો આમ થવું જોઇતું નહોતું. એમ લાગી રહ્યું છે કે ભારતીય સત્તાવાળા કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.
દુર્ઘટનાનો શિકાર બનેલાના 25 પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલી કીસ્ટોન લોના પાર્ટનર જેમ્સ હિલી પ્રેટે જણાવ્યું હતું કે, મૃતકોના અવશેષોની ઘાલમેલ એક રાજદ્વારી ઘટના હતી. ભારતીય સત્તાવાળાઓએ વધુ તપાસ કરી હતી અને મને લાગે છે કે તેમણે વધુ કેટલાક અવશેષ લંડન મોકલી આપ્યાં છે. યુકેના કોરોનર તેની હાલ તપાસ કરી રહ્યાં છે.
યુકેની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે જણાવ્યું હતું કે, અમે સતત ભારતીય અને એર ઇન્ડિયાના સત્તાવાળાના સંપર્કમાં છીએ. જોકે મિતેન પટેલે આરોપ મૂક્યો છે કે ફોરેન ઓફિસ મારા સંપર્કમાં નથી. ભારતની સરકાર સાથે જો કોઇ ચર્ચા થઇ રહી છે તો તેની માહિતી અમને મીડિયા દ્વારા મળી રહી છે. સરકાર અમને સીધી માહિતી આપે તે જરૂરી છે. મિતેન પટેલે દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહેલી ભારત સરકારના અધિકારીઓ તરફથી પણ કોઇ માહિતી ન અપાતી હોવાનો આરોપ મૂક્યો છે. ભારતની એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા મેં મારી તમામ વિગતો મોકલી આપી હોવા છતાં મારો કોઇ સીધો સંપર્ક કરાયો નથી. અમને એર ઇન્ડિયા તરફથી પણ કોઇ માહિતી મળી રહી નથી. અમારા સ્વજનોના માલસામાન અંગે પણ કોઇ જાણકારી અપાતી નથી.