લંડનઃ લેસ્ટરના બ્રિટિશ નાગરિકના પરિવારને તેના સભ્યની તલાશ છે. પરિવારને ભય છે કે તે પણ એર ઇન્ડિયાની ક્રેશ થયેલી કમભાગી ફ્લાઇટમાં સવાર હતો. 25 વર્ષીય ફૈઝાન રફિક કથિત રીતે આજ ફ્લાઇટમાં મુસાફરી કરીને લેસ્ટર પરત ફરી રહ્યો હતો. પરિવારનું કહેવું છે કે ફૈઝાન તે ફ્લાઇટમાં હતો કે નહીં તેની અમને હજુ સત્તાવાર રીતે કોઇ જાણ કરાઇ નથી.
ફૈઝાનના પિતરાઇ સમીર રફિકે જણાવ્યું હતું કે, મારા ભાઇની કોઇ માહિતી ન મળતાં પરિવાર અત્યંત ભય અને મૂંઝવણમાં છે. અમે ચાર કરતાં વધુ દિવસ પહેલાં ડીએનએ ઉપલબ્ધ કરાવ્યાં હતાં પરંતુ હજુ અમને કોઇ જાણ કરાઇ નથી. અમે એ પણ જાણતા નથી કે તે જીવતો છે કે તેનું મોત થયું છે. અમે ભારતથી કોઇ સારા સમાચાર આવે તેવી આશા રાખીએ છીએ પરંતુ અમને હજુ ક્યાંથી કોઇ માહિતી મળી રહી નથી.
સમીરે જણાવ્યું હતું કે, અમને અમારા ભાઇ અંગેની માહિતી જોઇએ છે. શું કે ક્રેશ થયેલી ફ્લાઇટમાં સવાર હતો. જો તે ફ્લાઇટમાં નહોતો તે અત્યારે ક્યાં છે. જો તે ફ્લાઇટમાં હતો તો તેના મૃતદેહનું શું.
ફૈઝાન ગુજરાતના ભરૂચ ખાતે તેની પત્નીની મુલાકાતે ગયો હતો. તેઓ પહેલીવાર સાથે ઇદની ઉજવણી કરવાના હતા. સમીરે આરોપ મૂક્યો હતો કે અમને બ્રિટિશ સરકાર પાસેથી પણ કોઇ માહિતી મળી રહી નથી. એવું લાગી રહ્યું છે કે ફૈઝાન બ્રિટિશ સરકારને ટેક્સ ચૂકવી રહ્યો તો પરંતુ તેને એ પણ પડી નથી કે તેનું શું થયું છે. સરકાર માટે જાણે કે તે એક કાગળનો ટુકડો હોય તેમ લાગી રહ્યું છે.