એર ઇન્ડિયા ક્રેશના મૃતકોનો સામાન પીડિત પરિવારોને આપવાની પ્રક્રિયાનો પ્રારંભ

ક્રેશ સાઇટ પરથી 22,000 વસ્તુ મળી હતી, અમદાવાદથી રૂબરૂ અથવા કુરિયર દ્વારા મંગાવી શકાશે

Tuesday 20th January 2026 09:19 EST
 
 

લંડનઃ અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશના 7 મહિનાના લાંબા વિલંબ બાદ એર ઇન્ડિયાએ મૃતકોના પરિવારજનોને તેમના પ્રિયજનોનો અંગત સામાન આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં મોટી સંખ્યામાં બ્રિટિશ ગુજરાતી સહિત 260 લોકોના મોત થયાં હતાં.

એર ઇન્ડિયા દ્વારા દુર્ઘટનાસ્થળેથી મળેલી પ્રવાસીઓની 22,000 જેટલી વસ્તુઓ કાળજીપુર્વક સાચવી રખાઇ હતી. તેમાંથી 8000 વસ્તુ ચોક્કસ વ્યક્તિ સાથે સંકળાયેલી હોવાની ઓળખ સ્થાપિત થઇ શકે છે. જ્યારે 14000 વસ્તુની સીધી ઓળખ થઇ શકી નથી.

એર ઇન્ડિયા દ્વારા મૃતક પ્રવાસીઓના પરિવારજનોને ઇમેલ દ્વારા ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા છે. પરિવારજનોને વસ્તુ સ્વીકાર ન કરવાની, અમદાવાદના સુવિધા કેન્દ્ર ખાતેથી રૂબરૂ મેળવવાની અને કુરિયર દ્વારા મંગાવવાની સુવિધા અપાશે. 5 જાન્યુઆરીથી શરૂ થયેલી આ પ્રક્રિયા મધ્ય ફેબ્રુઆરી સુધી ચાલશે. ઓળખ નથી થઇ શકી તેવી વસ્તુઓ માટે એક વેબ પોર્ટલ તૈયાર કરાયું છે જેના માધ્યમથી પરિવારજનો સ્વજનની વસ્તુની ઓળખ કરી દાવો કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter