નવી દિલ્હીઃ અમદાવાદ ખાતેની એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાની મુક્ત, ન્યાયી, બિનપક્ષપાતી અને ઝડપી તપાસ માટે શું કાર્યવાહી ચાલી રહી છે તેની માહિતી આપવા ભારતની સુપ્રીમ કોર્ટે ભારત સરકાર અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે તેની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસકર્તા દ્વારા તપાસની જરૂરીયાત અંગે પણ સવાલ પૂછ્યા છે.
સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરાયેલી પીટિશનની સુનાવણી કરતા જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની બેન્ચે બે સપ્તાહમાં જવાબની માગ કરી છે. અરજકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, દુર્ઘટનાને 102 દિવસ વીતી ગયાં છતાં શું થયું હતું તેની કોઇ સ્પષ્ટતા જ નથી. તેમણે તપાસ પેનલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
ભારતની સુપ્રીમ કોર્ટે પ્રારંભિક અહેવાલમાં જે રીતે એક પાયલટને દોષી ઠેરવવાનો પ્રયાસ કરાયો તેને પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. અરજકર્તાએ પ્રારંભિક તપાસ અહેવાલમાં ઘણી ખામી હોવાનો અને જનતાથી માહિતી છૂપાવવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો.


