નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ માટે પાયલટને જવાબદાર ગણી શકાય નહીં. ભારતની સુપ્રીમ કોર્ટે કમભાગી ફ્લાઇટના પાયલટ કેપ્ટન સુમીત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ દ્વારા જ્યુડિશિયલ ઇન્કવાયરીની માગ કરતી અપીલની સુનાવણી કરતાં ભારત સરકારને નોટિસ પાઠવી છે. પાયલટના પિતાએ દુર્ઘટનાનું કારણ અને જવાબદારી નક્કી કરવા માટે સ્વતંત્ર તપાસની માગ કરી છે.
ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ જે. સૂર્યકાન્તે પ્લેન ક્રેશ મામલે મીડિયામાં થઇ રહેલા ખોટા રિપોર્ટિંગ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં પાયલટે પોતાનો જીવ ગુમાવ્યો હોય ત્યારે તેને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવો જોઇએ નહીં. આ એક કરૂણાંતિકા હતી પરંતુ પ્રાથમિક તપાસમાં પાયલટને જવાબદાર ગણાવવામાં આવ્યા નથી. મીડિયામાં ખોટા અહેવાલો પ્રસિદ્ધ થવા જોઇએ નહીં.
જસ્ટિસ બાગચીએ એરક્રાફ્ટ (ઇન્વેસ્ટિગેશન ઓફ એક્સિડેન્ટ્સ એન્ડ ઇન્સિડેન્ટ્સ) નિયમોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓમાં તપાસ માટે ચોક્કસ જોગવાઇઓ છે. અરજકર્તાના વકીલ ગોપાલ સુબ્રમણિયમને અદાલતને જણાવ્યું હતું કે, દુર્ઘટનાની પ્રાથમિક તપાસ ફક્ત નિયમ 9 અંતર્ગત થઇ છે જ્યારે આ પ્રકારની ઘટનાઓની તપાસ નિયમ 11 અંતર્ગત થતી હોય તેથી અમે સ્વતંત્ર તપાસની માગ કરીએ છીએ.


