લંડનઃ એર ઇન્ડિયા ક્રેશના પીડિત પરિવારોએ આરોપ મૂક્યો છે કે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન કંપની એડવાન્સમાં વળતર નહીં ચૂકવવાની ધમકી આપીને તેમની આર્થિક સ્થિતિની જાણકારી માગી રહી છે. જોકે એર ઇન્ડિયાએ આ આરોપ નકારી કાઢતાં જણાવ્યું છે કે વળતર ચૂકવવાની પ્રક્રિયા માટે પ્રયાસ થઇ રહ્યાં છે.
યુકેની સૌથી મોટી લિટિગેશન લો ફર્મ સ્ટુઅર્ટે જણાવ્યા અનુસાર પીડિત પરિવારોએ આરોપ મૂક્યો છે કે તેમના પર સવાલોના જવાબ આપવા દબાણ થઇ રહ્યું છે. આ સવાલો જટિલ કાયદાકીય ભાષામાં છે. પીડિત પરિવારો આ સવાલો સારી રીતે સમજી પણ શક્તાં નથી કે તેનું અર્થઘટન પણ કરી શક્તાં નથી. તેમનો આરોપ છે કે અમે અત્યંત નિઃસહાય સ્થિતિમાં છીએ ત્યારે એર ઇન્ડિયા તેનો લાભ ઉઠાવી રહી છે.
યુકેની કાયદા કંપની સ્ટુઅર્ટે પીડિત પરિવારોને વળતરના દાવા કરવા માટે સહાય કરવા અમદાવાદ સ્થિત કાયદા કંપની નાણાવટી એન્ડ નાણાવટી સાથે ભાગીદારી કરી છે. યુકેની કાયદા કંપનીએ જણાવ્યું છે કે એર ઇન્ડિયાએ અમારા ક્લાયન્ટોને જણાવ્યું છે કે એડવાન્સ પેમેન્ટ માટે તેમણે અમારા સવાલોના જવાબ આપવા પડશે. તેના કારણે સમજ પડતી ન હોય તેવા સવાલોના જવાબ આપવા તેમના પર દબાણ થઇ રહ્યું છે. હવે અમારી જાણમાં આવ્યું છે કે એર ઇન્ડિયા પીડિત પરિવારોનો સંપર્ક કરી રહી છે અને જો અમારા સવાલોના જવાબ નહીં આપો તો તેમને કોઇ વળતર નહીં ચૂકવાય તેવી ધમકી આપી રહી છે.
કાયદા કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા ક્લાયન્ટોએ સવાલોની યાદી અમને બતાવી છે. આ સવાલના જવાબ આપવા હોય તો કાયદાકીય માહિતી જરૂરી છે, તેમાં કાયદાકીય ભાષાનો ઉપયોગ અનિવાર્ય છે જે પીડિત પરિવારો જાણતા નથી. બની શકે કે અત્યારે માગવામાં આવેલી માહિતીનો ઉપયોગ એર ઇન્ડિયા દ્વારા પીડિત પરિવારો સામે જ થઇ શકે. પીડિત પરિવારો પ્રત્યેના એર ઇન્ડિયાના અભિગમથી અમને ઘણો આઘાત લાગ્યો છે.
યુકેની કાયદા કંપનીએ મૂકેલા આરોપ ખોટા અને પાયાવિહોણાઃ એર ઇન્ડિયા
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, યુકેની કાયદા કંપનીએ મૂકેલા આરોપ ખોટાં છે. અમે માહિતીના અભાવમાં વળતરની પ્રક્રિયા કરી શક્તા નથી. વળતરની ચૂકવણી માટે અમે પીડિત પરિવારો પાસેથી પાયાની માહિતી માગી રહ્યાં છીએ જેથી સાચા સંબંધીઓને જ એડવાન્સ પેમેન્ટ થઇ શકે. અમે તેમની આર્થિક સ્થિતિ અંગે કોઇ જાણકારી માગી નથી. અમે મામલાને ગંભીરતાથી લઇ વચગાળાનું વળતર ચૂકવવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિવારને રૂપિયા 1 કરોડનું વળતર ચૂકવવાની જાહેરાત કરાઇ છે.


