લંડનઃ એર ઇન્ડિયા દ્વારા ગયા સપ્તાહમાં આગામી ઉનાળાની સીઝનમાં ભારતથી આવતા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા ભારતથી યુકેના મહત્વના રૂટો પર વધારાની ફ્લાઇટોની આવકારદાયક જાહેરાત કરાઇ હતી. તેમાં ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ સુધીની ફ્લાઇટની સંખ્યા સપ્તાહમાં પાંચ કરી દેવાઇ છે. આ દર્શાવે છે કે ગુજરાતથી લંડન આવતા પ્રવાસીઓ એર ઇન્ડિયાના બિઝનેસમાં કેટલો સિંહફાળો આપી રહ્યાં છે.
એક સમય એવો પણ હતો કે જ્યારે ગુજરાતના અમદાવાદથી યુકે સુધી સીધી એર કનેક્ટિવિટીના નામે મીંડુ હતું. ગુજરાતના પ્રવાસીએ લંડન કે યુકેના અન્ય શહેરો માટે ક્યાં તો મુંબઇ અથવા તો દિલ્હીથી ફ્લાઇટ લેવી પડતી હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા 1980ના દાયકાથી જ ગુજરાતથી યુકે સીધી ફ્લાઇટ માટે અભિયાન શરૂ કરાયાં હતાં. આ માટે ચીમનભાઇ પટેલથી માંડીને કેશુભાઇ પટેલ સુધીના રાજકીય અગ્રણીઓ સમક્ષ રજૂઆતો કરવામાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા કોઇ કસર બાકી રખાઇ નહોતી.
યુકેમાં 1.8 મિલિયન જેટલાં ભારતીયો વસવાટ કરે છે તેમાં 6 લાખથી પણ વધુ ગુજરાતીનો સમાવેશ થાય છે. ગુજરાતની સીધી ફ્લાઇટના અભાવમાં તેમને ભારત અને યુકેના પ્રવાસોમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જોઇને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા હજારો હસ્તાક્ષરો સાથે ગુજરાત અને ભારતની સરકારો સમક્ષ રજૂઆતો કરાઇ હતી.
આખરે નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવતાં આ માગણી પર ધ્યાન આપવામાં આવ્યું હતું. વેમ્બલીની મુલાકાત સમયે નરેન્દ્ર મોદી દ્વારા યુકેના ગુજરાતી સમાજને આ અંગેના ખુશખબર અપાયાં અને 15 ડિસેમ્બર 2015ના રોજથી અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટનો પ્રારંભ કરાયો હતો.
અત્યાર સુધી અમદાવાદથી યુકેની સીધી ફ્લાઇટો માટે આનાકાની કરી રહેલી એર ઇન્ડિયાને એટલો બધો બિઝનેસ મળવા લાગ્યો કે તેણે ઉત્તરોતર આ ફ્લાઇટની સંખ્યામાં વધારો કર્યો અને અંતે 2025માં અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટની સંખ્યા સાપ્તાહિક પાંચ પર પહોંચી ગઇ છે. એર ઇન્ડિયાને સૌથી વધુ કમાણી ગુજરાતીઓ જ કરાવી આપે છે તેની અનુભૂતિ પણ એરલાઇન્સને થઇ ગઇ છે. હવે યુકેના અન્ય શહેરો સાથે પણ અમદાવાદથી સીધી ફ્લાઇટ શરૂ કરાય તેવી જનલાગણી પ્રવર્તી રહી છે.