લંડનઃ એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા છતાં તપાસકર્તાઓ હજી સુધી દેશના છેલ્લા ત્રણ દાયકાના સૌથી ભીષણ વિમાન અકસ્માત પાછળના ચોક્કસ કારણો અંગે કોઈ અંતિમ અહેવાલ આપી શક્યા નથી. ભારતીય તપાસ એજન્સીએ ફક્ત વચગાળાનું નિવેદન જારી કરીને જ સંતોષ માની લીધો હતો.
ભારત સરકારના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા પર એક વચગાળાનું નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. બ્યુરોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોની પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ખાતરી આપી હતી કે તપાસ અત્યંત વ્યાપક અને તટસ્થ રીતે ચાલી રહી છે જેથી કોઈ પક્ષ કે વ્યક્તિ પર ખોટી રીતે દોષારોપણ ન થાય.
12 જૂનના રોજ જારી કરેલા નિવેદનમાં AAIB એ જણાવ્યું હતું કે, આજે આ કરુણ ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ શોકગ્રસ્ત અવસરે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ સભ્યોના પરિવારો અને સ્નેહીજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. કોઈપણ વિમાન દુર્ઘટનાની તપાસનો એકમાત્ર હેતુ ભવિષ્ય માટે બોધપાઠ મેળવવાનો અને ઉડ્ડયન સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભલામણો કરવાનો હોય છે, નહીં કે કોઈના પર દોષ કે જવાબદારી થોપવાનો. તેથી AAIB તમામ હિતધારકો, મીડિયા અને સામાન્ય જનતાને અપીલ કરે છે કે જ્યાં સુધી સત્તાવાર તપાસ ચાલુ છે ત્યાં સુધી કોઈપણ પ્રકારની અટકળો કે ઉતાવળા તારણો પર આવવાનું ટાળે.
બ્યુરોએ વિતેલા એક વર્ષ દરમિયાન થયેલી તપાસની પ્રગતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, તપાસ સમિતિએ વિમાનની ટેકનિકલ સ્થિતિ, ઓપરેશનલ સિસ્ટમ, સંસ્થાકીય માળખું અને માનવીય ભૂલો જેવા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરી છે. આ પ્રક્રિયામાં દેશ-વિદેશના વિષય નિષ્ણાતો અને તકનીકી સલાહકારોની મદદ લેવામાં આવી છે. બ્લેક બોક્સનો ડેટા, એન્જિનના ભાગો અને વિમાનના મેન્ટેનન્સ રેકોર્ડનું વિશ્લેષણ પૂર્ણતાના આરે છે અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય પ્રોટોકલ મુજબ તપાસ ચાલી રહી છેઃ રામમોહન નાયડુ
ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની તપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર અત્યંત વ્યાપક અને વ્યાવસાયિક સ્તરે ચાલી રહી છે. સરકાર આ અકસ્માતના ચોક્કસ કારણો શોધવા અને દેશની ઉડ્ડયન પ્રણાલીને વધુ સુરક્ષિત બનાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
અમે ભારતીય એજન્સી દ્વારા જાહેર કરાતી માહિતી પહોંચાડવાનું કામ કરી રહ્યાં છીએઃ બ્રિટિશ એજન્સી
યુકેની એજન્સી હાલમાં ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનના એક્સપર્ટ તરીકે પોતાની ભૂમિકા ભજવી રહી છે. આ અંતર્ગત ભારતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB India) દ્વારા જાહેર જનતા માટે બહાર પાડવામાં આવતી સત્તાવાર માહિતી અને તપાસના અહેવાલો અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવાનું કામ બ્રિટિશ એજન્સી કરી રહી છે.


