એર ઇન્ડિયા સામે ગુજરાતી સમુદાયમાં ભારે આક્રોશ

હિથ્રોથી અમદાવાદ જતી ડાયરેક્ટ ફ્લાઇટને ગેટવિક ખાતે તબદિલ કરાતાં ગુજરાતી સમુદાયમાં ભારે હતાશા

Tuesday 04th April 2023 13:43 EDT
 
 

લંડન

હિથ્રો એરપોર્ટ ખાતેથી ઓપરેટ થતી લંડન-અમદાવાદ-લંડન ફ્લાઇટ રદ કરી નાખવાના એર ઇન્ડિયાના અચાનક લેવાયેલા નિર્ણયે ભારતીય સમુદાય અને વિશેષ ગુજરાતી સમુદાયમાં ભારે રોષની લાગણી પ્રગટાવી છે. એર ઇન્ડિયાએ આ ફ્લાઇટને ગેટવિક એરપોર્ટ ખાતે તબદિલ કરી છે અને આ ઘટનાક્રમે પશ્ચિમ ભારત અને ગુજરાતનો પ્રવાસ કરનારા મોટાભાગના પ્રવાસીઓને હતાશ કર્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો બદલાવ કરતા પહેલાં કોઇ સલાહસૂચન કે વિચારણા કરાઇ નહોતી.

બ્રિટનમાં ઓછામાં ઓછા 10 લાખ ગુજરાતીઓ વસવાટ કરે છે. બ્રિટનના ગુજરાતી સમાજે એક વર્ષ લાંબું અભિયાન ચલાવ્યા બાદ હિથ્રો ખાતેથી અમદાવાદની સીધી ફ્લાઇટ ઉપલબ્ધ બની હતી. શરૂઆતમાં અમદાવાદ જવા માટે 4 ફ્લાઇટ શરૂ કરાઇ હતી પરંતુ ત્યારબાદ તેને ઘટાડીને 3 ફ્લાઇટ કરાઇ હતી. આ ડાયરેક્ટ ફ્લાઇટને કારણે એરઇન્ડિયાને સારી આવક પણ મળી રહી હતી. પ્રવાસના સમયમાં મોટો ઘટાડો થતો હોવાના કારણે બિઝનેસમેન, વૃદ્ધો અને બાળકો માટે આ ફ્લાઇટ ઘણી મદદગાર અને સુવિધાજનક પૂરવાર થઇ હતી. આ ડાયરેક્ટ ફ્લાઇટમાં મુસાફરી માટે માગ એટલી ઊંચી રહેતી કે ટિકિટ મેળવવી મુશ્કેલ બનતી હતી અને પ્રવાસની સિઝનમાં ટિકિટના ભાવ આસમાને પહોંચી જતાં હતં. હિથ્રો ખાતેથી રવાના થતી આ ફ્લાઇટની ફ્રિક્વન્સી વધારવાની તાકિદે જરૂર હતી પરંતુ એર ઇન્ડિયાએ તેને ગેટવિક એરપોર્ટ ખાતે ખસેડી દીધી છે. સવાલ છે શા માટે?

65 ટકા બ્રિટિશ ગુજરાતીઓ ગ્રેટર લંડનની એમ 25 રેન્જમાં રહે છે. આના કારણે પ્રવાસીઓના પ્રવાસ ખર્ચમાં પણ વધારો થયો છે. નોર્થ લંડનમાં રહેતો પ્રવાસી ગેટવિક એરપોર્ટ જવા માગે તો તેને એરપોર્ટ સુધીના અંતરના આધારે કેબ માટે 250થી 300 પાઉન્ડ ખર્ચ કરવા પડે છે. તેથી નોર્થ લંડન અથવા તો મધ્ય લંડનથી ગેટવિક જવા માટે પ્રવાસીને એરપોર્ટ પિક અપ અને ડ્રોપ માટે ઓછામાં ઓછા 300થી 600 પાઉન્ડ ચૂકવવા પડે છે. તે ઉપરાંત એરપોર્ટ પર સમયસર પહોંચવા માટે પ્રવાસીએ તેના ઘરથી પાંચથી 6 કલાક વહેલા નીકળવું પડે છે. જેના કારણે વૃદ્ધો, બાળકો અને બીમાર પ્રવાસીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે.

પ્રવાસની ઊંચી કિંમત અને વધુ પડતા સમયના કારણે પ્રવાસીઓને વાયા દુબઇ, અબુધાબી, દિલ્હી અથવા મુંબઇની ફ્લાઇટ વધુ વ્યાજબી અને સુવિધજનક લાગી રહી છે.

અમદાવાદની સીધી ફ્લાઇટને હિથ્રોથી ગેટવિક ખસેડવાના સ્થાને એર ઇન્ડિયાએ તેની બુકિંગ સિસ્ટમ સુધારવાની વધુ જરૂર હતી. જાન્યુઆરી 2024થી રિટર્ન બુકિંગ હજુ શરૂ કરાયું નથી. પ્રવાસીઓ વારંવાર એરઇન્ડિયાની ફ્લાઇટ પરની સુવિધાઓ અને ખામીયુક્ત મનોરંજન સિસ્ટમની પણ ફરિયાદ કરતા રહે છે. ટિકિટની કિંમતો હંમેશા ઊંચી રહે છે જેની સામે એર ઇન્ડિયા દ્વારા હલકી ગુણવત્તાની સુવિધાઓ આપવામાં આવે છે. તાજેતરના સમયમાં એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા વૃદ્ધ પ્રવાસીઓ સાથે દુર્વ્યવહારના ઘણા કિસ્સા પણ સામે આવ્યાં છે.

પબ્લિક ડિમાન્ડ – લંડન (હિથ્રો) –અમદાવાદ સીધી ફ્લાઇટ ફરી શરૂ કરો

ઘણા સામાજિક સંગઠનો અને અમારા વાચકોએ અમારો સંપર્ક કર્યો છે. હિથ્રો ખાતેથી અમદાવાદની સીધી ફ્લાઇટ ફરી શરૂ કરાય તેવી તેમની ઉગ્ર માગ છે. લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ અભિયાન પાછળના મુખ્ય કારણની એરઇન્ડિયા મેનેજમેન્ટ દ્વારા ધરાર અવણના થઇ રહી છે.

એરઇન્ડિયાના સત્તાવાળાઓ સમક્ષ અમારા વાચકો દ્વારા વ્યક્ત કરાયેલી કેટલીક ચિંતાઓ

  1. ગુજરાતી સમુદાય આ બદલાવ સાથે સહમત થશે કે કેમ તે અંગે કોઇ સરવે કરાયો હતો?
  2. આ નિર્ણય લેતાં પહેલાં હકિકત કે આંકડાનો સમાવેશ કરતા કોઇ ડેટાને ધ્યાનામાં લેવાયો હતો?
  3. જો મહત્તમ પ્રવાસીઓ હિથ્રો ખાતેથી મળતા હોય તો અચાનક એરપોર્ટમાં બદલાવ શા માટે કરાયો?
  4. ભારતીય સમુદાય સાથે કોઇ પ્રકારની ચર્ચા વિચારણા શા માટે ન કરાઇ?

લંડન હિથ્રો – અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ અભિયાન

ગુજરાતી અને ભારતીય સમુદાય દ્વારા ચલાવાયેલા લાંબા અભિયાન બાદ એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટની માગ સ્વીકારવામાં આવી હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસે 1999માં આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ માટે 20,000 લોકોના હસ્તાક્ષર સાથે આવેદનપત્ર અપાયું હતું. 2002માં સી બી પટેલ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા. અપાર પ્રયાસો પછી 2004મં વાજપેયી સરકાર દ્વારા ડાયરેકટ ફ્લાઇટનો પ્રારંભ કરાયો હતો પરંતુ યુપીએની સરકાર સત્તામાં આવતાં જ આ ફ્લાઇટ બંધ કરી દેવાઇ હતી. ફરી એકવાર 2005માં 30,000 હસ્તાક્ષર સાથે આવેદનપત્ર અપાયું અને મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 13 નવેમ્બર 2015ના રોજ લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આમ આ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ હતી. જે પ્રવાસીઓ અને એરઇન્ડિયા એમ બંને માટે ફળદાયી પૂરવાર થઇ હતી. પરંતુ હવે ફરી એકવાર હિથ્રો ખાતેથી આ ફ્લાઇટ રદ કરી દેવાતં પ્રવાસીઓમાં રોષ વ્યાપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter